I-PAC કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મમતા બેનર્જીને ફરી ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે I-PAC કેસમાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને ફરી એક વખત ફટકાર લગાવી સવાલ કર્યો હતો કે જો કેન્દ્રમાં તમારી સરકાર સત્તામાં હોય અને કોઈ બીજી રાજકીય પાર્ટી રાજ્ય સ્તરે આવી જ કાર્યવાહી કરે તો શું થશે? આ પ્રશ્ન કોર્ટે ત્યારે કર્યો જ્યારે તે બંગાળનાં મુખ્ય મંત્રીના કથિત હસ્તક્ષેપ સંબંધિત મામલે સુનાવણી કરી રહી હતી.

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે રાજ્ય સરકારની આપત્તિઓ પર પણ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. રાજ્ય સરકારે અપીલ કરી હતી કે મતદાન પહેલાં સુધી મતદાર યાદીમાં સુધારા કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે. તેના પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ કહ્યું હતું કે SIR પ્રક્રિયા માત્ર બંગાળમાં જ સમસ્યાગ્રસ્ત દેખાઈ રહી છે, જ્યારે અન્ય રાજ્યોમાં તે સરળતાથી પૂર્ણ થઈ ગઈ છે.

રાજ્ય સરકાર તરફથી સિનિયર એડવોકેટ શ્યામ દીવાને જણાવ્યું કે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ છ એપ્રિલ છે અને ત્યાર બાદ મતદાર યાદીમાં ફેરફાર શક્ય નથી. તેમણે કહ્યું હતું કે હજુ લાખો લોકોના દાવાઓ પર નિર્ણય લેવાયો નથી. તેમણે કોર્ટને વિનંતી કરી કે મતદાન તારીખ પહેલાં સુધી યાદી સુધારવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે અને જેમના દાવાઓનો નિકાલ થયો નથી તેમને પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં હતા.

આ પર મુખ્ય ન્યાયાધીશએ કહ્યું કે અન્ય રાજ્યોમાં SIR સરળતાથી પૂર્ણ થઈ ગઈ છે અને બંગાળમાં જ વધુ મુશ્કેલીઓ કેમ આવી રહી છે. તેમણે ઉમેર્યું કે અન્ય રાજ્યોમાં બંગાળ કરતાં વધુ લોકોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, જેમાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે.