કાર લાયસન્સ પર 7500kg વાહન ચલાવવા પર સુપ્રીમની મહોર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોમર્શિયલ ડ્રાઈવરોને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. લાઈટ મોટર વ્હિકલ (L.M.V.) ડ્રાઈવિંગ લાઇસન્સ ધારકોને 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવવાની સુપ્રીમે છૂટ આપી દીધી છે. આ ચુકાદાને પગલે હવેથી વીમા કંપનીઓ ક્લેઇમને લાઈસન્સના પ્રકારના આધારે નકારી નહીં શકે અને લોકોને પણ અલગથી લાઇસન્સ કઢાવવાની મંજૂરી મેળવવામાંથી રાહત મળશે.મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમની બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે એલ.એમ.વી. અને ટ્રાન્સપોર્ટ વાહનો બન્ને સંપૂર્ણ રીતે અલગ નથી. બંને વચ્ચે અંશતઃ સમાનતા જોવા મળે છે. જેને પગલે 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનોને એલ.એમ.વી. લાઇસન્સ ધારકો પણ ચલાવી શકશે. સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, જે વાહનોમાં અતી તીવ્રતાવાળા જોખમકારક પદાર્થોને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હોય તેના માટે વિશેષ લાયકાતની જે જરૂરિયાત હોય છે તેને હટાવવામાં નહીં આવે. એટલે કે સુપ્રીમનો ચુકાદો જોખમકારક માલ સામાનની હેરફેર કરતા વાહનોને લાગુ નહીં પડે. તેના માટે અગાઉના નિયમો લાગુ રહેશે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો કે હેલમેટ ન પહેરવું વગેરેને કારણે પણ અકસ્માતો થાય છે. આ તમામ કારણોમાં ક્યાંય પણ એ સાબિત નથી થતું કે એલએમવી લાઇસન્સ ધારકો ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવે તો તેને કારણે અકસ્માતો થાય છે.