નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે સ્વતંત્રતા સેનાનીઓ સામે કોઈને પણ બકવાસ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. કોર્ટે વધુમાં કહ્યું હતું કે તેમણે આપણને સ્વતંત્રતા આપી અને આપણે તેમની સાથે કેવું વર્તન કરી રહ્યા છીએ.
જસ્ટિસ દીપાંકર દત્તાએ રાહુલ ગાંધીને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તમે ભવિષ્યમાં આવું કોઈ નિવેદન આપશો તો અમે સુઓ મોટો કરીને કાર્યવાહી કરીશું. આ સાથે સુપ્રીમ કોર્ટે સાવરકર પરની ટિપ્પણીના કેસમાં રાહુલને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતાં અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.
આ માનહાનિનો કેસ 17 નવેમ્બર, 2022નો છે. જ્યારે રાહુલે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ભારત જોડો યાત્રા દરમિયાન એક રેલીમાં સાવરકર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી 2023માં એડવોકેટ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
2023માં ભારત જોડો યાત્રા પર ગયેલા રાહુલ ગાંધીએ સાવરકર પર નિશાન સાધ્યું હતું. તેમણે અકોલામાં મીડિયાને એક પત્ર બતાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે આ પત્ર સાવરકરે અંગ્રેજોને લખ્યો હતો. આમાં તેમણે કહ્યું હતું કે તેઓ અંગ્રેજોના નોકર રહેશે. સાથે જ તેમણે ડરીને માફી પણ માગી હતી. ગાંધી-નેહરુએ આવું ન કર્યું, તેથી તેઓ વર્ષો સુધી જેલમાં રહ્યા હતા.
ગાંધી, નેહરુ અને પટેલ વર્ષો સુધી જેલમાં રહ્યા અને કોઈ પત્ર પર સહી કરી નહીં. સાવરકરજીએ આ કાગળ પર સહી કરવાનું કારણ ડર હતો. જો ડર્યા ન હોત તો ક્યારેય સહી ન કરત. જ્યારે સાવરકરે સહી કરી ત્યારે તેમણે ભારતના ગાંધી અને પટેલ સાથે દગો કર્યો હતો. તેમણે ગાંધી અને પટેલ પાસેથી પણ સહી કરાવવા કહ્યું. રાહુલે ફરી કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજોની માફી માગી હતી કે પત્ર લખ્યો હતો કે તેઓ સેવક બની રહેશે, ગાંધી-નેહરુએ આવું ન કર્યું હતું.
