ઈશા ફાઉન્ડેશન વિરૂધ્ધ દાખલ હેબિયસ કોપર્સ કેસ બંધ કરતી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન વિરૂદ્ધ બે છોકરીઓને બંધક બનાવવાનો કેસ બંધ કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે કહ્યું કે, મદ્રાસ હાઈકોર્ટ માટે આવી અરજી પર તપાસનો આદેશ આપવો યોગ્ય નથી. આશ્રમ પર પોલીસની રેડ પણ ખોટી હતી.કોર્ટે કહ્યું કે, છોકરીઓના પિતાની અરજી ખોટી છે, કારણ કે બંને છોકરીઓ પુખ્ત છે. જ્યારે તેઓ આશ્રમમાં ગયા ત્યારે તેમની ઉંમર 27 અને 24 વર્ષની હતી. તે પોતાની મરજીથી આશ્રમમાં રહે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ નિર્ણયની અસર માત્ર આ કેસ પૂરતી જ સીમિત રહેશે.નિવૃત્ત પ્રોફેસર એસ. કામરાજે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીઓ લતા અને ગીતાને આશ્રમમાં બંધક રાખવામાં આવી છે. 30મી સપ્ટેમ્બરે હાઈકોર્ટે આ કેસની તપાસ અને ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ ગુનાહિત કેસોની વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. બીજા દિવસે, 1લી ઓક્ટોબરના રોજ, લગભગ 150 પોલીસકર્મીઓ ફાઉન્ડેશનના મુખ્યાલય પર પહોંચ્યા હતા. જો કે સદગુરુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 3જી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ફાઉન્ડેશન વિરુદ્ધ પોલીસ તપાસના મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.