ઈરાનના જહાજ પર સબમરીન હુમલોઃ 78 ઘાયલ અને 101 લાપતા

નવી દિલ્હીઃ શ્રીલંકાના તટ નજીક ઈરાનના એક જહાજ પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 78 લોકો ઘાયલ થયા છે, જ્યારે 101 લોકો લાપતા હોવાનું જણાવાયું છે. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ કહેવામાં આવ્યું છે, એમ શ્રીલંકાની નેવી અને ડિફેન્સ મિનિસ્ટ્રીનાં સૂત્રોના હવાલાથી માહિતી આપી છે.

જોકે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ઈરાનના જહાજ પર હુમલો કોણે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ હુમલા બાદ જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું, પરંતુ શ્રીલંકાની નેવીના એક પ્રવક્તાએ જણાવ્યું કે 101 લોકો લાપતા હોવાની માહિતી સંપૂર્ણપણે સાચી નથી. તેમના જણાવ્યા મુજબ આ ઘટનામાં શ્રીલંકાની નેવીએ 32 ઘાયલ લોકોને બચાવી લીધા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

સવારે છ વાગ્યા પહેલાંની ઘટના

આ પહેલાં શ્રીલંકાના વિદેશ મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે તેમની નેવીને સવારે એક જહાજમાંથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો. તેના જવાબમાં સવારે છ વાગ્યાથી પહેલાં જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

શ્રીલંકાની નેવી સાથે જોડાયેલા એક સૂત્રે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે એવી માહિતી છે કે 79 લોકોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંની એક વ્યક્તિનું મોત થયું છે. એ ઉપરાંત 101 લોકો લાપતા માનવામાં આવી રહ્યા છે અને જહાજ ડૂબી ગયું છે.