ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ચારુસેટ કેમ્પસમાં સતત ત્રીજા વર્ષે ચારથી સાત ડિસેમ્બર, 2025 દરમિયાન આયોજિત‘ચારુસેટ એજયુકેશન એક્સપો 3.0’ને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ હતી. ચારુસેટ એજ્યુકેશન એક્સ્પો અનિલ અને આશા પટેલ એન્ડોમેન્ટ ફંડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને જગાજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સહ-સંચાલિત હતો.
વિદ્યાર્થીઓના ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસાર્થે કારકિર્દીલક્ષી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી ચાર દિવસ માટે આયોજિત એક્સ્પોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. એક્સપોમાં 72 સ્કૂલોના 9691 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ઊમટ્યા હતા. ગુજરાત રાજ્યનાં વિવિધ 100 જેટલાં સ્થળોથી વિદ્યાર્થીઓને કેમ્પસમાં લાવવામાં આવ્યા હતા. સ્કૂલોમાંથી કુલ 225 શિક્ષકો એક્સપોની મુલાકાતે આવ્યા હતા.
એક્સપોમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ-વાલીઓએ 10 ઇન્સ્ટિટ્યુટ, 7 ફેકલ્ટી, 70થી વધુ એકેડેમિક પ્રોગ્રામની તમામ માહિતી ઉપરાંત એડમિશન પ્રોસેસ,વિવિધ કોર્સ,સ્કોલરશિપ વગેરેની માહિતી તેમ જ કારકિર્દી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગેમ ઝોનમાં લર્નિંગ વિથ ફનનો અનુભવ લીધો હતો. એજ્યુકેશન, ઇનોવેશન અને ઓપર્ચ્યુંનિટીના ફ્યુઝન સમાન એક્સપોમાં ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા લગભગ 30 પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ એક્સપોમાં કેરિયર કાઉન્સેલિંગ ફેર, સ્ટુડન્ટ પ્રોટોટાઈપ શોકેસ, ઇન્સ્ટિટયૂટ વિઝિટનો લાભ લીધો હતો. એક્સપોના ભાગરૂપે કિશોર કાકા તરીકે પ્રખ્યાત સ્મિત પંડ્યા દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો.
ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ એક્સપોને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ હતી.





