મુંબઈ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી, જ્યાં પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 731 પોઈન્ટ ઘટીને 76,774 પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 243 પોઈન્ટ ઘટીને 23,239 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શેરબજાર ખુલતા જ કડાકો
બજાર ખુલતાની સાથે જ વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ 710.70 પોઈન્ટ ઘટીને 76,795.26 પર જ્યારે નિફ્ટી 211.75 પોઈન્ટ ઘટીને 23,270.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં મોટી કંપનીઓના શેર વેચવાલીના દબાણ હેઠળ આવી ગયા હતા અને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં મોટો કડાકો નોંધાયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સંકેતોએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી છે. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પણ પડી શકે છે. આ આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવી, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે.
ડૉલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ
બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચી ગયો હતો. પહેલીવાર રૂપિયો 87ના લેવલને ક્રોસ કરી ગયો. શુક્રવારે રૂપિયાઓ 86.61 ના સ્તરે બંધ થયો હતો પણ આજે 41 પૈસાના મોટા કડાકા સાથે તે 87.02 પર ઓપન થયો જે ફેબ્રુઆરી 2023 બાદ સૌથી મોટો કડાકો મનાઈ રહ્યો છે. જોકે આ કડાકો ત્યાં જ ન રોકાયો અને રૂપિયો ડૉલર સામે 55 પૈસા તૂટીને 87.17ના લેવલને ક્રોસ કરી ગયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર મજબૂત થઇ રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ 1.4% ની મજબૂતી સાથે 109.84 પર પહોંચી ગયો છે.