આ છે અંડર 19 ટીમના ખેલાડીઓની રસપ્રદ સંઘર્ષ ગાથા…

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના અંડર 19 ટીમના ખેલાડીઓના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પર આજે નજર નાખવી છે. ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહી શકાય તેવા આ અંડર-19 ના પ્લેયર્સ, જેમાં કોઈના પિતા ડ્રાઈવર છે, કોઈ ભૂતકાળમાં મજૂરી કરતા હતા અને કોઈકની પાસે બે ટંક સારુ જમવાના પૈસા પણ નથી. ક્રિકેટના મેદાન પર કલાકો સુધી પરસેવો પાડ્યા બાદ જ્યારે તે આવે ત્યારે, મારી પાસે તેને જ્યૂસ પીવડાવવાના અથવા તો તેને સારુ જમાડવાના પૈસા નહોતા પરંતુ તે સામાન્ય ભોજનથી જ ખુશ થઈ જતો હતો. અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ તે છપ્પન પ્રકારના પકવાન નહી પરંતુ આ જ માંગશે. આ શબ્દો છે, દક્ષિણ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ સુધીની યાત્રામાં ટીમના સ્ટાર રહેલા અથર્વ અંકોલેકરની માં વૈદીહીની.

આ પ્રકારની સ્ટોરી માત્ર અથર્વની નથી પરંતુ વિશ્વ વિજેતા બનવાના છેલ્લા પગથિયા પર પહોંચેલી ભારતની અંડર-19 ટીમના ઘણા સ્ટાર પ્લેયર્સની છે કે જેઓ તનતોડ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે.

વૈદેહીએ પતિના મૃત્યુ બાદ મુંબઈની બસોમાં કન્ડક્ટરની નોકરી કરીને પોતાના દિકરા અથર્વને ક્રિકેટના મેદાન પર મોકલ્યો, જ્યારે કેપ્ટન પ્રિયમ ગર્ગના પિતા સ્કૂલ વાન ચલાવતા હતા. પાકિસ્તાન વિરુદ્ધ સેમીફાઈનલમાં સદી ફટકારનારા યશસ્વી જયસ્વાલ પોતે પાણીપુરી વેચતા હતા. જિંદગીએ આ જાંબાઝોની પગલે-પગલે પરિક્ષા લીધી અને આ લોકો પોતાના જીવનમાં આવેલી તમામ પરિક્ષાઓ નિડરતાથી પાર કરીને, તનતોડ મહેનત અને પરિવારના સમર્પણ અને બલિદાનના પરિણામે વિશ્વ વિજેતાથી માત્ર એક સ્ટેપ દૂર જેટલે સુધી પહોંચ્યા છે.

ઉત્તર પ્રદેશના ભદોહીથી ક્રિકેટમાં નામ કમાનારા અને મુંબઈ આવેલા યશસ્વી હવે “ગોલગપ્પા બોય” ના નામથી ઓળખ બની ગઈ છે. પોતાનું ઘર છોડીને આવેલા યશસ્વી પાસે ન તો રહેવાની જગ્યા હતી અને ન તો બે ટંકના ભોજનના ઠેકાણા હતા. સંઘર્ષના સમયમાં રાત્રે પાણીપુરી વેચીને દિવસે ક્રિકેટ રમનારા યશસ્વીએ એ વાત સાબિત કરી બતાવી છે કે, જ્યાં કંઈક પામવાની ખેવના હોય છે ત્યાં રસ્તાઓ ખૂલતા જાય છે.

તેમના કોચ જ્વાલા સિંહે તેમને પોતાની છત્રછાયામાં લીધા અને અહીંયાથી જ શરુ થઈ સફળતાની એક સ્ટોરી. અત્યારસુધી અંડર-19 વર્લ્ડ કરમાં રમવામાં આવેલી પાંચ મેચમાં તેમણે પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 105 રન, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 62 રન, ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અણનમ 57 રન, જાપાન વિરુદ્ધ અણનમ 29 અને શ્રીલંકા વિરુદ્ધ 59 રન બનાવ્યા હતા.

મેરઠની નજીક કિલા પરીક્ષિત ગઢના રહેવાસી કેપ્ટન પ્રિયમ ગર્ગના માથેથી માતાની છત્રછાયા બાળપણમાં જ જતી રહી હતી. ત્રણ બહેનો અને બે ભાઈઓના પરિવારને તેમના પિતા નરેશ ગર્ગે સંભાળ્યા, જેમણે દૂધ, પેપર વેચ્યા અને બાદમાં સ્કૂલ વેન ચલાવીને પોતાના દિકરાના સ્વપ્નાઓને પૂરા કર્યા.

ગર્ગના કોચ સંજય રસ્તોગીએ જણાવ્યું કે, પ્રિયમે પોતાના પિતાના સંઘર્ષને જોયો કે જેઓ આટલે દૂર તેને લઈને આવતા હતા. આ જ કારણ છે કે તે ઈમાનદારીથી કંઈક બનવા માટે રમે છે. આ ભવિષ્યમાં એક મોટો પ્લેયર બનશે કારણ કે તેનામાં આ પ્રકારના ગુણો છે. પ્રિયમના પિતાએ પોતાના મિત્રો પાસેથી ઉધાર પૈસા લઈને પ્રિયમ માટે ક્યારે ક્રિકેટ કિટ અને કોચિંગની વ્યવસ્થા કરી હતી અને તેની મહેનત રંગ લાવી જ્યારે તે 2018 માં રણજીમાં સીલેક્ટ થયો.

શ્રીલંકામાં ગત વર્ષે એશિયા કપ ફાઈનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પાંચ વિકેટ લેનારા અથર્વએ નવ વર્ષની ઉંમરે પોતાના પિતાને ગુમાવ્યા હતા. સાસુ, નણંદ અને બે દિકરાની જવાબદારી તેમની માતા વૈદેહી પર આવી પડી. વૈદેહીએ પોતાના પતિની જગ્યાએ મુંબઈમાં ઈલેકટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટની બસોમાં કન્ડક્ટરની નોકરી કરીને અથર્વને ક્રિકેટર બનાવ્યો.

વૈદેહીએ કહ્યું કે, અથર્વના પિતાનું સ્વપ્ન હતું કે તે ક્રિકેટર બને અને તેમના નિધન બાદ મેં તેમનું સ્વપ્ન સાકાર કરવામાં મારા દિકરાને ખૂબ મદદ કરી. તેઓ હંમેશા નાઈટ શિફ્ટ કરતા હતા કે જેથી દિવસે પોતાના દિકરાને પ્રેક્ટિસ કરાવી શકે. પરંતુ દિકરાની સફળતા જોવા માટે તેના પિતા ન રહ્યા. પોતાના સંઘર્ષના સમયને યાદ તેમણે જણાવ્યું કે, તે ખૂબ અઘરો સમય હતો. હું તેને મેદાન પર લઈ જતી પરંતુ બીજા બાળકો અભ્યાસ બાદ જ્યૂસ પીતા અથવા સારુ જમતા પરંતુ તે હું તેને ન ક્યારેય ન આપી શકી. તેમણે કહ્યું કે, અથર્વના મિત્રોના માતા પિતા અને તેના કોચોએ તેની ખૂબ મદદ કરી.

એશિયા કપ જીત્યા બાદ માએ પોતાના દિકરાને કોઈ ભેટ ન આપી પરંતુ તેના માટે તેને ભાવતું એક સુંદર પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું. તેમણે કહ્યું કે, હવે અમારી સ્થિતિ પહેલા કરતા સારી છે, પરંતુ અમારો ખરાબ સમય, હજી અમને યાદ છે. આજે પણ ખુશીના સમયમાં તેને છપ્પન ભોગ નહી પરંતુ એ જ ભોજન પસંદ છે કે જે ખાઈને તે મોટો થયો છે. મોટાભાગે અથર્વની મેચના દિવસે વૈદેહીની ડ્યૂટી હોય છે પરંતુ હવે જ્યારે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ રવિવારના રોજ છે તો તે આખી મેચ જોશે અને પોતાના દીકરાને મન ભરીને નિહાળશે.