નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે અહીંના જંતર-મંતર પરિસરને સંપૂર્ણપણે આજે ખાલી કરાવી દીધું છે. અહીં એક મહિનાથી આંદોલન કરી રહેલા પહેલવાનો સહિત તમામ લોકોને હટાવી દેવામાં આવ્યા છે. પહેલવાનોના તંબૂઓ તથા અન્ય સાધન-સામગ્રી, સામાનને પણ હટાવીને પરિસરને સાફ-સૂથરું કરી દેવામાં આવ્યું છે. અગાઉ આજે નવા સંસદભવન તરફ કૂચ કરી રહેલા પહેલવાનોને પોલીસોએ અધવચ્ચે જ અટકાવી દીધા હતા. પહેલવાનોએ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટને અટકમાં લેવામાં આવ્યાં હતાં. આમ, પોલીસે પહેલવાનોનાં આંદોલનનો બળજબરીપૂર્વક અંત લાવી દીધો છે.
અટકમાં લીધા બાદ તમામ પહેલવાનોને બસોમાં ધક્કા મારીને ચડાવી દેવામાં આવ્યા હતા અને એમને જુદા જુદા અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ જંતર-મંતર પરિસરમાં પહેલવાનોએ લાવેલા પલંગ, ગાદલા, તકીયા, એર કૂલર્સ, પંખા, તાલપત્રીઓ વગેરેને હટાવી દેવામાં આવ્યા હતા. એવું લાગે છે કે પોલીસ હવે આ પહેલવાનોને આંદોલન કે ધરણા પર બેસવા માટે ફરીથી જંતર-મંતર ખાતે આવવા નહીં દે. પોલીસે પહેલવાનોને ચેતવણી આપી હતી કે તેમણે નવા સંસદભવન તરફ જવું નહીં. તે છતાં પહેલવાનોએ કૂચ આદરી હતી. જેને કારણે પોલીસો અને પહેલવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી. વિનેશ ફોગાટને ઢસડીને ત્યાંથી હટાવીને બસમાં બેસાડી દેવામાં આવી હતી.
પહેલવાનો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ગઈ 23 એપ્રિલથી આંદોલને ચડ્યાં હતાં. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે એવી માગણી સાથે તેઓ જંતર-મંતર ખાતે ધરણા પર બેઠાં હતાં.