‘વિવો’ના જવાથી BCCIને કોઈ ફરક નહીં પડેઃ ગાંગુલી

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 13મી આવૃત્તિના ટાઈટલ સ્પોન્સર તરીકે વિવો કંપની હટી ગઈ એને હું ક્રિકેટ બોર્ડ માટે નાણાકીય કટોકટી તરીકે ગણતો નથી.

ઉલ્લેખનીય છે કે, ટાઈટલ સ્પોન્સર્સ વિવો સાથેની ભાગીદારીને સ્થગિત કર્યાની ક્રિકેટ બોર્ડે ગયા અઠવાડિયે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. દેશમાં ચીન-વિરોધી જે તીવ્ર લાગણી ફેલાઈ છે એને ધ્યાનમાં લઈને ચાઈનીઝ કંપની વિવોને આઈપીએલ-13ની ટાઈટલ સ્પોન્સર તરીકે ચાલુ રાખવા બદલ ક્રિકેટ બોર્ડ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ, બંનેની ટીકા થયા બાદ વિવોની આ વર્ષની આઈપીએલ માટે બાદબાકી થઈ ગઈ છે.

એક વેબિનારમાં બોલતાં, ગાંગુલીએ કહ્યું કે, હું આ ઘટનાને નાણાકીય કટોકટી તરીકે ગણતો નથી. આ માત્ર એક નાનો અમથો ઝટકો છે. આવા સમયમાં તમારે પ્રોફેશનલ રીતે થોડુંક મજબૂત બનવું જ પડે.

ગાંગુલીએ એમ પણ કહ્યું કે, મોટી બાબતો કંઈ એક રાતમાં બનતી ન હોય. તેમજ મોટી વાતો એક જ રાતમાં દૂર પણ થતી નથી હોતી. લાંબા સમયથી કરેલી તૈયારીથી તમે નુકસાની માટે સજ્જ થઈ શકો છો અને સફળતા મેળવવા માટે પણ સજ્જ બની શકો છો.

ગાંગુલીએ વધુમાં કહ્યું કે, તમારે તમારા અન્ય વિકલ્પો ખુલ્લા રાખવાના. જેમ કે પ્લાન-એ અને પ્લાન-બી. સમજદાર લોકો એવું જ કરે છે. એવી જ રીતે, સમજદાર બ્રાન્ડ્સ પણ કરે છે. સમજદાર કોર્પોરેટ કંપનીઓ પણ કરે. બીસીસીઆઈનાં મૂળ ખૂબ જ મજબૂત છે. વીતી ગયેલાં વર્ષોની રમત, ખેલાડીઓ અને વહીવટકારોએ આ રમતને એટલી બધી મજબૂત બનાવી છે કે બીસીસીઆઈ આવા તમામ આંચકાને સંભાળવા સક્ષમ છે.