નવી દિલ્હી: રવિવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં હારી ગઈ. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 85 રનથી ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં અંદાજે 90 હજાર દર્શકો વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલ આ મેચમાં કંગારું ટીમ શરુઆતથી જ મજબૂત પકડ જમાવી લીધી હતી. ટી-20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી પોતાને નામ કર્યા પછી કંગારુ ટીમ પર ઈનામનો પણ વરસાદ થયો, જોકે, ભારતીય ટીમ પણ આ મામલે કંઈ પાછળ નથી.
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને મળ્યા 10 લાખ ડોલર
5મી વખત વર્લ્ડ ટી-20 ચેમ્પિયન બનનારી ઓસ્ટ્રેલિયાન ટીમે વર્લ્ડ કપની ટ્રોફીની સાથે મોટી ઈનામની રકમ પણ મેળવી છે. આઈસીસીએ વિજેતા ટીમને 10 લાખ ડોલર (અંદાજે 7.40 કરોડ રૂપિયા) ઈનામમાં આપ્યું છે. વર્લ્ડ કપની ગઈ એડિશન (2018માં) સરખામણી કરવામાં આવે તો આ વખતે આ 320 ટકા વધારે છે. ગયા વર્ષો ઓક્ટોબરમાં મળેલી એક બેઠકમાં આઈસીસીએ મહિલા ક્રિકેટના વધતા જતા વર્ચસ્વને લઈને ઈનામની રકમ વધારવાનો નિર્ણય લીધો હતો.
ઓસ્ટ્રેલિયાએ એક મિલિયન ડોલરની રકમ તેમના નામે કરી છે તો રનરઅપ રહેલી ભારતીય મહિલા ટીમે 5 લાખ ડોલરની રકમ ઈનામમાં મેળવી છે. આ ટી-20 વર્લ્ડ કપમાં ઉપવિજેતા રહેલી ટીમ ઈન્ડિયા 2017ના વર્લ્ડ કપ (વન ડે) માં પણ ઉપવિજેતા રહી હતી.