ગત વર્ષે પોતાના કરિયરને અલવિદા કહેનાર આ ખેલાડી હાલમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીના ચાર ‘ટુર્નામેન્ટ એમ્બેસેડર’ પૈકીના એક તરીકે અહીં હાજર છે. ભારતે રવિવારે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. ધવન મેચ જોયા બાદ ઈન્ડિયન ડ્રેસિંગ રૂમમાં પણ ગયો હતો. મેચ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેને પૂછવામાં આવ્યું કે, શું BCCIએ ખેલાડીઓ માટે રણજી ટ્રોફીમાં ભાગ લેવું ફરજિયાત કરીને યોગ્ય કર્યું? BCCIનો આ નિર્દેશ ભારતના ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક ટેસ્ટ પ્રવાસ બાદ આવ્યો છે, જેમાં ટીમ 1-3થી હારી ગઈ હતી અને એક દાયકામાં પહેલી વાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી હતી. બોર્ડના નિર્દેશોનું પાલન કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેમની રાજ્ય ટીમો માટે ઓછામાં ઓછી એક મેચ રમી હતી.
ભારતના પૂર્વ ઓપરન બેટ્સમેન શિખર ધવને ડોમોસ્ટિક ક્રિકેટને ફરજિયાત તો જણાવ્યું પરંતુ આ સાથે જ એમ પણ કહ્યું કે, ખેલાડીઓને આરામ પણ મળવો જોઈએ. શિખર ધવને તમામ ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટને ફરજિયાત કરવાના BCCIના નિર્ણયને સપોર્ટ તો કર્યો પરંતુ તેણે સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવા માટે પણ વિનંતી કરી, જેથી ખેલાડીઓને થાક ન અનુભવાય. આના જવાબમાં 39 વર્ષના પૂર્વ ઓપનરે કહ્યું કે, ‘આ ખૂબ જ સારો નિર્ણય છે. હું માત્ર એટલું જ કહેવા માગુ છું કે, ખેલાડીઓ પર વધુ પડતો બોજ ન નાખવો જોઈએ. પરંતુ લોકો તેના પર નજર રાખશે. એ સારી વાત છે કે ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા, જેમ કે વિરાટ રમ્યો હતો અને સ્ટેડિયમ આખું ભરાઈ ગયુ હતું. પરંતુ આ સાથે તેમને આરામ પણ મળવો જોઈએ.’ ધવને રોહિતની પ્રશંસા કરી, જે અત્યાર સુધી સારા ફોર્મમાં છે. પાકિસ્તાન સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા 20 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ ધવને તેની સકારાત્મક બાજુ જોઈ. તેણે કહ્યું કે, ‘તે આઉટ થઈ ગયો પણ તેણે એટલો જોશ ઉત્પન્ન કર્યો કે બીજા ખેલાડીઓએ ફાયદો ઉઠાવ્યો.’
