ઈજાગ્રસ્ત વિજય શંકર પણ વર્લ્ડ કપમાંથી આઉટ; એની જગ્યાએ મયંક અગ્રવાલનો સમાવેશ

લંડન – છ મેચો સુધી અપરાજિત રહ્યા બાદ ગઈ કાલે ઈંગ્લેન્ડ સામે વર્તમાન વર્લ્ડ કપ સ્પર્ધાનો પહેલો પરાજય ચાખનાર ભારતીય ટીમને આજે એક વધુ આંચકો મળ્યો છે. એનો બેટિંગ ઓલરાઉન્ડર વિજય શંકર ઈજામાંથી સાજો થઈ શક્યો નથી અને એ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

પગના અંગૂઠામાં ઈજા થવાથી શંકર હવે સ્પર્ધામાં બાકીની મેચોમાં ભાગ નહીં લઈ શકે.

15-સભ્યોની ટીમમાં શંકરનું સ્થાન મયંક અગ્રવાલે લીધું છે. અગ્રવાલનો સમાવેશ કરવા દેવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કરેલી વિનંતીનો આઈસીસી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.

અગ્રવાલ હજી સુધી એકેય વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. 28 વર્ષીય અગ્રવાલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે રમીને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

ઈંગ્લેન્ડ સામે ભારતની મેચ પૂર્વે પ્રેક્ટિસ સત્ર વખતે વિજય શંકરને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનો બોલ પગના અંગૂઠા પર વાગ્યો હતો.

ભારતને મળેલો આ બીજો આંચકો છે. આ પહેલાં ઓપનર શિખર ધવનને ડાબા હાથના અંગૂઠામાં બોલ વાગતાં એને સ્પર્ધામાંથી બહાર થવું પડ્યું છે.

વર્તમાન વર્લ્ડ કપમાં, શંકર પાકિસ્તાન સામેની મેચમાં રમ્યો હતો. તે મેચમાં ઈલેવનમાં એનો નંબર ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર ઘાયલ થવાને લીધે લાગ્યો હતો. શંકરે તે મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. બેટિંગમાં એ 15 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને બોલિંગમાં 5.2 ઓવરમાં ફેંકી હતી અને બે વિકેટ લીધી હતી. વર્લ્ડ કપમાં પહેલી જ ડિલિવરી પર વિકેટ લેનાર તે દુનિયાનો પહેલો જ ખેલાડી બન્યો હતો.

શંકર ટીમમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે સ્થાપિત થશે એવું મનાતું હતું. શંકર ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ રમ્યો હતો અને 29 રન કર્યા હતા. એમાં એણે બોલિંગ ફેંકી નહોતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં એ માત્ર 14 રન કરી શક્યો હતો. તે મેચમાં પણ એણે બોલિંગ કરી નહોતી.

ઈંગ્લેન્ડ સામેની મેચમાં, શંકરની જગ્યાએ ઈલેવનમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું હતું. પંત ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમ્યો હતો અને 32 રન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]