મેઘતાંડવઃ માયાનગરી મુંબઈ પાણીમાં ગરકાવ; મધ્ય, પશ્ચિમની લોકલ સેવા ખોરવાઈ

મુંબઈ – મહાનગર મુંબઈમાં આજે સળંગ ચોથા દિવસે ચાલુ રહેલા ધોધમાર વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. પાણીમાં રેલવેનાં પાટા ડૂબી જતાં ટ્રેન સેવાને માઠી અસર પડી છે. સવારે અસરગ્રસ્ત લોકલ ટ્રેન સેવા વચ્ચે કામ-ધંધા માટે ઘેરથી નીકળેલાં મુંબઈગરાંઓ સાંજે પણ સતત વરસાદ ચાલુ રહેતા અને ટ્રેન સેવા વધારે બગડતાં હેરાન-પરેશાન થઈ ગયાં હતાં.

વરસાદનું જોર ચાલુ રહેતાં લગભગ બધી જ ઓફિસોમાંથી કર્મચારીઓને વહેલા ઘેર જતા રહેવાની પરવાનગી આપવામાં આવી હતી.

હવામાન વિભાગે સવારે જ આગાહી હતી કે આજે આખો દિવસ વરસાદ ચાલુ રહેશે.

શહેરભરનાં નાળા અને ગટરો સાફ કરાવી દીધી હોવાથી આ વખતે મુંબઈમાં ક્યાંય વરસાદથી પાણી નહીં ભરાય એવા મહાનગરપાલિકાનાં તંત્રનાં તમામ દાવા પોકળ સાબિત થયા છે.

અનેક રસ્તાઓ પર સમારકામ અધૂરું રહ્યું હોવાથી એવા વિસ્તારોમાં હાલત વધારે ખરાબ છે. ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે.

સાંજે 5.30 વાગ્યાના સમયે પણ ઉપનગરીય ટ્રેન સેવા અત્યંત ધીમી ગતિએ ચાલતી હતી. પશ્ચિમ રેલવે વિભાગ પર ટ્રેનો અડધા કલાક જેટલી મોડી દોડતી હતી. અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. મધ્ય રેલવે વિભાગ પર તો હાલત એના કરતાંય વધારે ખરાબ હતી. હાર્બર લાઈન તો બંધ જ છે.

આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

મુંબઈમાં સાયન અને માટુંગા ઉપનગરોની વચ્ચે રેલવેના પાટા સહિત અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે.

મધ્ય રેલવે વિભાગ પર ટ્રેન સેવાને અસર પડી છે.

પાલઘર ખાતે વરસાદના પાણીમાં પાટા ડૂબ્યા

પશ્ચિમ રેલવે વિભાગ પર મરીન લાઈન્સ સ્ટેશન ખાતે આજે સવારે ભારે પવનને કારણે બાંધકામનો સામાન ઓવરહેડ વાયર પર પડતાં એ તૂટી ગયો હતો. એને કારણે મરીન લાઈન્સ અને ચર્ચગેટ સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.

મધ્ય વિભાગ પર, સાયન અને માટુંગા રેલવે સ્ટેશનની વચ્ચે પાટા પર પાણી ભરાતાં ટ્રેન સેવાને માઠી અસર પડી છે.

પશ્ચિમ વિભાગ પર, મુંબઈ નજીકના પાલઘર સ્ટેશન પાસે ભારે વરસાદને લીધે પાટા પર પાણી ભરાયા છે. લાંબા અંતરની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈ-વલસાડ વિભાગ પર કેટલીક ટ્રેનો રદ કરાઈ છે. 22946 સૌરાષ્ટ્ર મેલને વલસાડ-મુંબઈ વચ્ચે બધા સ્ટેશનો પર ઊભી રાખવામાં આવશે.

ગઈ રાત સુધીમાં 361 મિ.મી. વરસાદ પડ્યો હતો. પાલઘરમાં વીતી ગયેલી સવારે ચાર અને પાંચ વાગ્યાની વચ્ચે જ 100 મિ.મી. વરસાદ પડ્યો હતો. સલામતીને ખાતર મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાયો છે.

નીચેની તસવીરો દાદર-પૂર્વ વિસ્તારની છે. બાળકો રસ્તા પર ઘૂંટણસમા પાણીમાંથી ચાલતા શાળાએ જઈ રહ્યા છે.

નીચેની તસવીરો મુંબઈના સાયન વિસ્તારની છે. મુંબઈ-વલસાડ-સુરત વિભાગ પર કેટલીક ટ્રેનો રદ કરાઈ છે. 14707 બિકાનેર-બાન્દ્રા એક્સપ્રેસને સુરત-મુંબઈ વચ્ચે બધા સ્ટેશનો પર ઊભી રાખવામાં આવશે.