ટેસ્ટ મેચઃ રોહિત શર્મા, પછી જાડેજાએ ચોથી સદી ફટકારી

રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઊતરી ત્યારે તેણે નવ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પછી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારતાં ભારત મજબૂત સ્થિતિમાં છે. જાડેજાએ તેની કેરિયરની ચોથી સદી ફટકારી હતી.

રોહિત શર્માએ 14 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 131 રન ફટકાર્યા હતા, જ્યારે રવીન્દ્ર જાડેજા 110 રન સાથે ક્રીઝ પર ઊભો છે. હાલ ભારતની 326 રને પાંચ વિકેટ પડી ગઈ છે. જાડેજાએ નવ ચોક્કા અને બે છક્કાની મદદથી સદી ફટકારી હતી. એ સાથે સરફરાઝ ખાને 62 રન કર્યા છે, જ્યારે કુલદીપ યાદવ એક રન સાથે દાવમાં છે.

ઇંગલેન્ડ વતી માર્ક વૂડે 69 રન આપીને ત્રણ વિકેટ લીધી છે, જ્યારે ટોમ હાર્ટલેને એક વિકેટ મળી છે. આ સાથે સરફરાઝ ખાન રનઆઉટ થયો હતો.

આ પહેલાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 10 બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. એ પછી ગિલ ખાતું પણ ખોલી નહોતો શક્યો અને પેવેલિયન ભેગો થયો હતો. રજત પાટીદાર પાંચ રન બનાવીને ટોમ હાર્ટલેના બોલમાં આઉટ થયો હતો. ત્યર બાદ રવીન્દ્ર જાડેજા અને શર્માએ ભારતીય બેટિંગ સંભાળી હતી.

ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની આ પ્લેઈંગ ઈલેવન છેઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.