કેપ ટાઉનઃ સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ હારીને ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર પહેલી જ વાર ટેસ્ટ શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે. હવે બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી અહીં સહારા પાર્ક, ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ એક દાવ અને 32 રનથી અને માત્ર ત્રણ દિવસમાં જ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા આંચકાજનક રીતે બંને દાવમાં બેટિંગમાં નિષ્ફળ ગયો હતો. હવે બીજી ટેસ્ટ મેચ જીતીને કમસે કમ શ્રેણી બચાવવા માટે શર્મા અને તેના સાથીઓએ કમર કસી છે. તેઓ હાલ સ્ટેડિયમમાં સઘન તાલીમ લઈ રહ્યા છે. ખેલાડીઓ દરરોજ બે-કલાક આકરી મહેનતવાળી ટ્રેનિંગ લે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમના પ્રેક્ટિસ સત્રનો એક વીડિયો પોતાના X એકાઉન્ટ પર શેર કર્યો છે.
પહેલી ટેસ્ટમાં પહેલા દાવમાં 185 રન કરનાર અને ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ જીતનાર ઓપનર ડીન એલ્ગર બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા ટીમનું સુકાન સંભાળશે. રેગ્યૂલર કેપ્ટન ટેમ્બા બવૂમા ઈજાગ્રસ્ત હોવાથી રમી શકવાનો નથી. કેપ ટાઉન એલ્ગરનું હોમગ્રાઉન્ડ છે. વળી, તેણે જાહેરાત કરી દીધી છે કે આ ટેસ્ટ મેચ તેની કારકિર્દીની આખરી મેચ હશે. ત્યારબાદ તે નિવૃત્તિ લેશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા, કે.એસ. ભરત (વિકેટકીપર), અભિમન્યૂ ઈશ્વરન, આવેશ ખાન.
સાઉથ આફ્રિકા ટીમઃ ડીન એલ્ગર (કેપ્ટન), એડન મારક્રમ, ટોની ડીજોર્જી, કીગન પીટરસન, ડેવિડ બેડિંઘમ, કાઈલ વેરેન (વિકેટકીપર), માર્કો યાન્સન, કેગિસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુન્ગિસાની એનગિડી, કેશવ મહારાજ, વિયાન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ, જુબેર હમઝા.
રવિન્દ્ર જાડેજા શારીરિક રીતે ફિટ ન હોવાથી પહેલી ટેસ્ટ મેચ ચૂકી ગયો હતો. બીજી ટેસ્ટમાં રમવા માટે તે સજ્જ થઈ ગયો છે. 7 જાન્યુઆરીએ બીજી ટેસ્ટ મેચ પૂરી થઈ ગયા બાદ ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓ 8 જાન્યુઆરીએ સ્વદેશ માટે રવાના થશે.