IND vs SA: સાઉથ આફ્રિકામાં ભારતનું સિરીઝ જીતવાનું સપનું ફરી ચકનાચૂર

સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને ઈનિંગ અને 32 રને હરાવ્યું. આ રીતે ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ભારતીય ટીમ બીજા દાવમાં માત્ર 131 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો પ્રથમ દાવ 245 રન પર સિમિત રહ્યો હતો. આ રીતે દક્ષિણ આફ્રિકાને 163 રનની લીડ મળી હતી.

બીજા દાવમાં પણ ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો ચાલુ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા કોઈ રન બનાવ્યા વગર વોકઆઉટ થઈ ગયો હતો. યશસ્વી જયસ્વાલ 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શુભમન ગિલ 26 રન બનાવીને પેવેલિયન ગયો હતો. જોકે વિરાટ કોહલીએ 76 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે અનુક્રમે 6 અને 4 રન બનાવ્યા હતા. રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે અનુક્રમે 0, 2 અને 0 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા દરેક રીતે ઘૂંટણિયે પડી ગઈ

જોકે, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બે દાવમાં એટલા રન બનાવી શક્યા ન હતા જેટલા રન સાઉથ આફ્રિકાની ટીમે એક દાવમાં કર્યા હતા. આ સિવાય સાઉથ આફ્રિકાએ માત્ર એક ઇનિંગમાં 108.4 ઓવર બેટિંગ કરી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનો બંને ઇનિંગ્સ સહિત માત્ર 101.5 ઓવર જ રમી શક્યા હતા. ખાસ કરીને બીજા દાવમાં ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ નબળી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બીજી ઈનિંગમાં માત્ર 34.1 ઓવર જ રમી શક્યા હતા. સાઉથ આફ્રિકાના ઓપનર ડીન એલ્ગરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડીન એલ્ગરે 185 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 28 ચોગ્ગા ફટકાર્યા હતા.

જોકે, દક્ષિણ આફ્રિકાની ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો કેપટાઉનમાં સામસામે ટકરાશે. ભારતીય ટીમ કેપટાઉન ટેસ્ટ જીતીને શ્રેણીને ડ્રો પર ખતમ કરવા ઈચ્છે છે. દક્ષિણ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. માર્કો યુનસેનને 3 સફળતા મળી. આ સિવાય કાગિસો રબાડાએ ટીમ ઈન્ડિયાના 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કાગિસો રબાડાએ આ મેચમાં 7 વિકેટ લીધી હતી.

આ પહેલા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 245 રનમાં સમેટાઈ ગઈ હતી. કેએલ રાહુલે 101 રનની સદીની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. નાન્દ્રે બર્જરને 3 સફળતા મળી. આ સિવાય માર્કો યુનસેન અને ગેરાલ્ડ કોએત્ઝીએ 1-1 બેટ્સમેનને આઉટ કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 408 રન પર સમેટાઈ ગયો હતો. આ રીતે યજમાન ટીમને 163 રનની લીડ મળી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનર ડીન એલ્ગરે સૌથી વધુ 185 રન બનાવ્યા હતા. માર્કો યુનસેન 84 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે પ્રથમ દાવમાં સૌથી સફળ બોલર રહ્યો હતો. જસપ્રીત બુમરાહે 26.4 ઓવરમાં 69 રનમાં 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મોહમ્મદ સિરાજને 2 સફળતા મળી. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણ અને રવિ અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.