T20 વર્લ્ડ કપઃ અફઘાનિસ્તાનને હરાવીને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની પહેલી સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. આ ટીમની પહેલી વર્લ્ડ કપ ફાઇનલ છે. દક્ષિણ આફ્રિકાએ સેમી ફાઇનલમાં અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનની ટીમને માત્ર 56 રન પર ઓલઆઉટ કરી હતી. ટીમઆખી 11.5 ઓવરમાં ઓલઆઉટ થઈ હતી.

અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ નિર્ણય અવળો પડ્યો હતો. પહેલી ઓવરથી જ વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો હતો, જે ઓલઆઉટ સુધી જારી રહ્યો હતો. અજમાતુલ્લા ઓમરજાઇને છોડીને કોઈ પણ બેટર દ્વિઅંકી આંકડાએ પહોંચી નહોતો શક્યો. દક્ષિણ આફ્રિકા વતી માર્કો યાનસેન અને તબરેઝ શમ્સીએ ત્રણ, કગિસો રબાડા અને એનરિક નોર્ખિયે 2-2 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ માત્ર એક વિકેટ ગુમાવીને 8.5 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતુ. કિટ્ટન ડિકોક પાંચ રન બનાવીને આઉટ ફઝલહક ફારુકીના બોલમાં આઉટ થયો હતો. ત્યાર બાદ રિઝા હેન્ડરિક્સ અને એડન માર્કરામે ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. દક્ષિણ આફ્રિકાનો સામનો હવે બીજી સેમી ફાઇનલના વિજેતાથી થશે. બીજી સેમી ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાશે.

ક્રિકેટ વર્લ્ડ કપની કોઈ પણ સેમી ફાઈનલમાં આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં T-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ શ્રીલંકાને નામે હતો. T-વર્લ્ડ કપ 2010ની સેમી ફાઇનલમાં શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડ સામે 128 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.