જિલોંગઃ T20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધામાં આજે અહીંના સાયમન્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ગ્રુપ-Aની મેચમાં નબળી અને એસોસિએટ ટીમ નામિબિયાની ટીમે શ્રીલંકાને 55-રનથી પરાજય આપ્યો હતો. હાલમાં જ એશિયા કપ જીતનાર શ્રીલંકાની ટીમના આ પરાજયથી સનસનાટી પ્રસરી ગઈ છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. જેરહાર્ડ ઈરેસમસની આગેવાની હેઠળની નામિબિયા ટીમે 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 163 રન કર્યા હતા. એના જવાબમાં શ્રીલંકાની ટીમ 19 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શનાકાએ જ સૌથી વધારે રન કર્યા હતા – 29. નામિબિયાના ડેવિડ વાઈઝ, બર્નાર્ડ સ્કોલ્ઝ, બેન શિકોન્ગો અને જેન ફ્રાયલિન્કે 2-2 વિકેટ લીધી હતી.
ડાબોડી બોલિંગ ઓલરાઉન્ડર ફ્રાયલિન્કને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એણે બેટિંગમાં સૌથી વધારે – 44 રન કર્યા હતા. તેના 28 બોલના દાવમાં 4 ચોગ્ગા હતા. બાદમાં ડાબોડી મધ્યમ ઝડપી બોલિંગ કરીને એણે શ્રીલંકાની બે વિકેટ પણ પાડી હતી જેમાં ધનંજય ડી સિલ્વા (12) અને કેપ્ટન શનાકાનો સમાવેશ થાય છે.
નામિબિયાએ ટેસ્ટ ક્રિકેટ રમતી ટીમને હરાવી છે. આ પરાજયથી શ્રીલંકાનું બધું લૂંટાઈ ગયું છે એવું નથી. પરંતુ એણે હવે એકાદ મોટો વિજય હાંસલ કરવો પડશે જેથી એમનો નેટ રનરેટ સુધરે.
