ભારતીય મહિલા ટીમ સાતમી વાર એશિયા કપ ચેમ્પિયન

ઢાકાઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે બંગલાદેશના સિલહટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વીમેન્સ એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાને આઠ વિકેટ હરાવ્યું હતું. એ સાથે વીમેન્સ ટીમ આઠમાંથી સાતમી વાર ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. 2012થી પહેલાં આ ટુર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાતી હતી. ભારતીય મહિલા ટીમ દરેક વાર ફાઇનલમાં પહોંચી છે. વર્ષ 2018માં બંગ્લાદેશે એને હરાવી હતી. એ સિવાય મહિલા ટીમ દરેક વખતે ચેમ્પિયન બની છે.

ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 65 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રેણુકા સિંહે ત્રણ, જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી માત્ર બે બેટસમેન જ 10નો આંકડો પાર કરી ચૂક્યા હતા. નંબર 10ની બેટ્સમેન ઇનોકા રાણાવીરાએ સૌથી વધુ 18 રન બનાવ્યા હતા. ઓશાદી રણસિંઘેએ 13 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે 66 રનનો લક્ષ્યાંક 8.3 ઓવરમાં હાંસલ કર્યો હતો. ટીમે બે વિકેટના નુકસાને 71 રન બનાવ્યા હતા અને મેચ જીતી લીધી હતી. ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાના 25 બોલમાં 51 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 11 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ પાંચ અને જેમિમા રોડ્રિગ્સ બે રન બનાવીને આઉટ થઈ હતી. ઇનોકા રાણાવીરા અને કવિશા દિલહરીએ 1-1 વિકેટ લીધી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. લીગ સ્ટેજમાં માત્ર પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.