ગાઝિયાબાદઃ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી 13મી આવૃત્તિમાં રમવાનું અચાનક પડતું મૂકીને યૂએઈથી સ્વદેશ પાછા ફરવા વિશેના તેના નિર્ણય અંગે ચાલી રહેલી અફવાઓનું ખંડન કર્યું છે. ક્રિકબઝ અને એનડીટીવીને આપેલી મુલાકાતમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના આ ડાબોડી બેટ્સમેને કહ્યું કે અમુક પારિવારિક જવાબદારીઓને કારણે પોતાને યૂએઈમાંથી તાબડતોબ સ્વદેશ પાછા ફરવાની ફરજ પડી છે.
33 વર્ષીય સુરેશ રૈના ગઈ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે.
એવી અફવા ઊડી છે કે રૈનાને ચેન્નાઈ ટીમના સંચાલકો સાથે કોઈક વાતે ઝઘડો થયો હતો, પરંતુ રૈનાએ એ બધી અફવાઓનું ખંડન કર્યું છે.
મુલાકાતમાં એણે કહ્યું કે ચેન્નાઈ ટીમના માલિક એન. શ્રીનિવાસન પ્રત્યે મને ખૂબ જ માન છે અને હું એમને પિતાસમાન વ્યક્તિ ગણે છે. એ પણ મને એમના નાના દીકરાની જેમ ગણે છે. કોઈ પિતા એના પુત્રને ઠપકો આપી શકે છે.
રૈનાએ કહ્યું કે પંજાબમાં એના ફુઆ તથા એમના પરિવારજનો પર કરાયેલા જીવલેણ હુમલાને પગલે એને પોતાના પરિવારના સભ્યોની ચિંતા ઊભી થઈ હતી.
રૈનાએ એવો સંકેત આપ્યો છે કે પોતે આઈપીએલ-2020ના કેમ્પમાં પાછો ફરે એવું બની શકે છે.
રૈનાએ કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તો મારા માટે એક પરિવાર જેવી છે અને માહી ભાઈ (કેપ્ટન એમ.એસ. ધોની) મારે મન ખૂબ જ મહત્ત્વના છે. સ્વદેશ ઓચિંતા પાછા ફરવાનો બહુ કપરો નિર્ણય મારે લેવો પડ્યો હતો અને એ મારો પોતાનો જ નિર્ણય હતો. મારે અને સીએસકે ટીમ સાથે કોઈ અણબનાવ નથી. કોઈ પણ ખેલાડી કોઈ નક્કર કારણ વગર રૂ. 12.5 કરોડને ઠોકર કેવી રીતે મારે. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છું, પણ હું હજી યુવાન છું અને આઈપીએલમાં ચાર-પાંચ વર્ષ રમવા ઈચ્છું છું.
હું ભારત પાછો ફર્યો છું, પરંતુ હાલ હું ક્વોરન્ટાઈનમાં છું. હું હજી મારા પરિવારજનોને મળી શક્યો નથી. પંજાબના પઠાણકોટમાં થયેલી ઘટનાથી મારા ફઈબા તથા મારા માતા-પિતા, સૌ ખૂબ જ દુઃખી થઈ ગયા છે, એમ રૈનાએ વધુમાં કહ્યું.