દુબઈઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીર નિવાસી ફાસ્ટ બોલર ઉમરાન મલિક હાલ આઈપીએલ-2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. તેણે એની આગઝરતી ફાસ્ટ બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો અને ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મલિકની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયો છે. મલિકે આઈપીએલની આ મોસમમાં સૌથી ફાસ્ટ ડિલીવરી ફેંકવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એની ફાસ્ટેસ્ટ ડિલીવરીની સ્પીડ હતી 153 કિ.મી. પ્રતિ કલાક. વાસ્તવમાં, તેની આ ડિલીવરી આઈપીએલ સ્પર્ધાના ઈતિહાસમાં કોઈ પણ ભારતીય બોલરે ફેંકેલી સૌથી ફાસ્ટ ડિલીવરી બની છે. મલિકે અબુધાબીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની જ મેચમાં તેના પરફોર્મન્સથી સનસનાટી મચાવી દીધી હતી. એણે સતત ચાર બોલ અતિ ઝડપે ફેંક્યા હતા. એક બોલ 151 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફેંક્યા બાદ બીજા ત્રણ બોલ એણે 152, 152 અને 153 કિ.મી.ની ઝડપે ફેંક્યા હતા. આમ, 150 કિ.મી.થી વધુની ઝડપે તેણે સતત ચાર બોલ ફેંકી બતાવ્યા હતા.
કોહલીએ તે મેચ બાદ કહ્યું હતું કે ખેલાડીઓની પ્રગતિને અહીંથી જ મહત્ત્વ અપાય એ જરૂરી છે. ફાસ્ટ બોલરોનું એક ગ્રુપ બને એ ભારતીય ક્રિકેટ માટે હંમેશાં સારી બાબત ગણાતી રહી છે. મલિકની બોલિંગ પ્રગતિ પર હવેથી સતત ધ્યાન આપતા રહેવું પડશે. આ સ્પર્ધા દર વર્ષે નવી ટેલેન્ટ લાવતી હોય છે.
મલિક 21 વર્ષનો છે અને 3 ઓક્ટોબરે તે તેની પહેલી આઈપીએલ મેચ રમ્યો હતો – કોલકાતા નાઈટ રાઈડર્સ સામે. એણે તેણે પ્રતિ કલાક 151.03 કિ.મી.ની ઝડપે બોલ ફેંક્યો હતો. એ પછી એણે બેંગલોર સામેની મેચમાં પોતાનો ફાસ્ટેસ્ટ બોલિંગનો રેકોર્ડ તોડ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને પણ મલિકની બોલિંગના વખાણ કર્યા છે. એણે કહ્યું કે, ઉમરાન ખરેખર એક વિશિષ્ટ બોલર છે. અમે એને નેટપ્રેક્ટિસ વખતે પણ અતિ ફાસ્ટ બોલિંગ કરતો જોયો છે. એને વિશેષ તક મળે (ભારતીય ટીમમાં) અને તે સારો દેખાવ કરશે તો મને આશ્ચર્ય નહીં થાય.