ઓકલેન્ડ – ભારતના ક્રિકેટપ્રેમીઓને જબ્બર આંચકા સહન કરવા પડ્યા છે. સતત બે વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો અને એ સાથે સિરીઝ પણ ગુમાવી દીધી છે. શનિવારે બીજી વન-ડે મેચમાં ભારતનો 22-રનથી પરાજય થયો.
ભારતના આ પરાજયમાં ન્યૂઝીલેન્ડના બે ખેલાડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો – એક, અનુભવી બેટ્સમેન રોસ ટેલર અને બીજો ફાસ્ટ બોલર ટીમ સાઉધી.
સાઉધીએ ભારતના રનમશીનને ખોટકાવી દીધું. કેપ્ટન વિરાટ કોહલીને એ ફરી આઉટ કરી ગયો. ગઈ કાલની મેચમાં સાઉધીની બોલિંગમાં કોહલી ક્લીન બોલ્ડ થયો હતો અને એ માત્ર 15 રન જ કરી શક્યો હતો. સાઉધીએ કેદાર જાધવ (9)ને પણ આઉટ કર્યો હતો.
કોહલીએ ટોસ જીત્યો હતો અને ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ આપી હતી. રોસ ટેલરના અણનમ 73 અને ઓપનર માર્ટિન ગપ્ટીલના 79 રનના યોગદાન સાથે ગૃહ ટીમે તેના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા હતા. ભારતીય ટીમ તેના જવાબમાં 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ 55, શ્રેયસ ઐયરે 52 અને 9મા નંબરે આવેલા નવદીપ સૈનીએ 45 રન કર્યા હતા, પણ ટોપ ઓર્ડર નિષ્ફળ ગયું હોવાને કારણે ભારતને જીત માટે 22 રન ઓછા પડ્યા હતા. હવે ત્રીજી અને સિરીઝની આખરી મેચ 11 ફેબ્રુઆરીએ માઉન્ટ મોન્ગેનૂઈમાં રમાશે.
ભારત અને કોહલી માટે હવે વ્હાઈટવોશને રોકવો એ જ કામ બાકી રહે છે.
ટીમ સાઉધીએ વન-ડે ક્રિકેટમાં આ છઠ્ઠી વાર કોહલીની વિકેટ ઝડપી હતી. આટલી જ વખત કોહલીને વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર રવિ રામપાલ પણ આઉટ કરી ગયો છે.
શ્રીલંકાના મધ્યમ ઝડપી બોલર થિસારા પરેરા અને ઓસ્ટ્રેલિયાના લેગસ્પિનર એડમ ઝમ્પાએ કોહલીને પાંચ-પાંચ વખત આઉટ કરવામાં સફળતા મેળવી છે.
ક્રિકેટની તમામ ફોર્મેટની દ્રષ્ટિએ સાઉધીએ કોહલીને કુલ 9 વખત આઉટ કર્યો છે. આ પરાક્રમ કરવામાં એ દુનિયાના બધા બોલરો કરતાં મોખરે છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન કોહલીને કુલ 8 વખત, ઈંગ્લેન્ડનો સ્પિનર ગ્રેમ સ્વોન 8 વખત અને દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર મોર્ન મોર્કેલ, ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નેથન લિયોન અને એડમ ઝમ્પા કોહલીને 7-7 વખત આઉટ કરી ચૂક્યા છે.
ભારતીય ટીમના હાલના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં 31 વર્ષીય કેપ્ટન કોહલી અપેક્ષા મુજબનો બેટિંગ દેખાવ કરી શક્યો નથી. આ પ્રવાસમાં અત્યાર સુધીમાં એ સાત મેચ રમ્યો છે, પણ એમાં માત્ર એક જ વાર હાફ સેન્ચુરી ફટકારી શક્યો છે.
હેમિલ્ટનમાંની પહેલી વન-ડે મેચમાં એણે 51 રન કર્યા હતા. એ પહેલાં ઓકલેન્ડમાંની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં એણે 45 રન કર્યા હતા. એના અન્ય સ્કોર આ પ્રમાણે રહ્યા – 11, 38 અને 11.