કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખપદેથી સૌરવ ગાંગુલીની વિદાય મુદ્દે પશ્ચિમ બંગાળ રાજ્યમાં શાસક તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય ગરમાગરમી ચાલી છે. બીસીસીઆઈનું પ્રમુખપદ ગાંગુલીની જગ્યાએ રોજર બિન્ની સંભાળશે એવા અહેવાલો છે. બિન્ની 1983માં વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવની આગેવાની હેઠળની ટીમના સભ્ય હતા. ગાંગુલી 2019ની 23 ઓક્ટોબરથી બીસીસીઆઈના 39મા પ્રમુખપદે છે અને સેક્રેટરી તરીકે જય શાહ છે, જેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે.
ગાંગુલીની વિદાય અંગે તૃણમુલ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. પક્ષના અનેક સભ્યોએ એમ કહ્યું છે કે ગાંગુલીએ પશ્ચિમ બંગાળમાં ભાજપમાં જોડાવાની ના પાડતાં પાર્ટીએ એમની વિરુદ્ધ કિન્નાખોરી રાખી છે અને એમને બોર્ડના વડા તરીકે બીજી મુદતમાં ચાલુ રહેતા અટકાવ્યા છે. ટીએમસીના રાજ્ય એકમના મહામંત્રી અને પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું છે કે, ‘બીસીસીઆઈ પ્રમુખપદેથી ગાંગુલીની રવાનગી અને ભાજપના બાહુબલી નેતાના પુત્ર મહામંત્રી તરીકે ચાલુ રહ્યા છે આ સ્વીકાર્ય નથી. એક સમયે ભાજપે આખા રાજ્યમાં એવો સંદેશ વહેતો કર્યો હતો કે ગાંગુલી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે.’ ટીએમસીના રાજ્યસભાના સદસ્ય ડો. સાંતનૂ સેને પણ સવાલ ઉઠાવ્યો છે અને એક ટ્વીટમાં લખ્યું છે કે ગાંગુલી તૃણમુલ કોંગ્રેસશાસિત રાજ્યના વતની છે એટલે અથવા તેઓ ભાજપમાં જોડાયા ન હોવાને કારણે બીસીસીઆઈમાંથી એમની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે એવો સંકેત મળે છે.
જોકે ભાજપે આ બધી અટકળોને રદિયો આપ્યો છે. પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દિલીપ ઘોષે કહ્યું છે કે શાસક પક્ષ દ્વારા આ પાયાવિહોણી અટકળો કરવામાં આવે છે. સૌરવ ગાંગુલીનો અમારી નેતાગીરીએ સંપર્ક કર્યો હોય એવી કોઈ માહિતી નથી. ટીએમસીવાળાઓ આ મુદ્દાને બિનજરૂરી રીતે બિચકાવે છે.