મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સંચાલિત વીમેન્સ પ્રીમિયર લીગ (WPL)-2023 સ્પર્ધા માટે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ આજે મુંબઈમાં શરૂ થયો છે. એમાં ભારતની ઓપનર બેટર સ્મૃતિ મંધાનાને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે રૂ. 3 કરોડ 40 લાખની સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદી લીધી છે. તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી. જ્યારે વર્તમાન ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સ ટીમે રૂ. 1.08 કરોડમાં ખરીદી છે. તેની બેઝ કિંમત પણ રૂ. 50 લાખ હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં હાલ રમાતી આઈસીસી મહિલા T20I વર્લ્ડ કપ સ્પર્ધામાં ગઈ કાલની ગ્રુપ મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. હરમનપ્રીત દુનિયાની અવ્વલ બેટરમાંની એક ગણાય છે. એને 147 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે.
પોતાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ખરીદી એ બદલ હરમનપ્રીત કૌરે ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ‘પુરુષ ક્રિકેટરોની આઈપીએલ સ્પર્ધામાં મુંબઈ ટીમ ખૂબ જ સરસ દેખાવ કર્યો છે. હવે મને પણ આ ટીમનો હિસ્સો બનવાનો મોકો મળ્યો છે. મને આશા છે કે અમારી મહિલાઓની ટીમ પણ પુરુષોની ટીમ જેવો જ ઝમકદાર દેખાવ કરશે.’ મુંબઈ ટીમે હરમનપ્રીત કૌર ઉપરાંત યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, ન્યૂઝીલેન્ડની એમિલીયા કેર અને ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નતાલિયા સીવર-બ્રન્ટને પણ ખરીદી છે.
ગઈ કાલે પાકિસ્તાન સામેની મેચમાં અણનમ હાફ સેન્ચુરી કરનાર બેટર જેમિમા રોડ્રિગ્સ, ભારતની અન્ડર-19 મહિલા T20 વર્લ્ડ કપ વિજેતા ટીમની કેપ્ટન શેફાલી વર્મા અને ઓસ્ટ્રેલિયાની અનેક વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન મેગ લેનિંગને દિલ્હી કેપિટલ્સ ટીમે ખરીદી છે. ગુજરાત જાયન્ટ્સ ટીમે ઓસ્ટ્રેલિયાની બેટર બેથ મૂની અને ઈંગ્લેન્ડની સોફિયા ડન્ક્લીને ખરીદી છે.
મહિલાઓની આઈપીએલ એટલે કે WPL સ્પર્ધા આવતી 4 માર્ચથી શરૂ થશે. તેમાં પાંચ ટીમ ભાગ લેેશે. બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ સાથે 22 મેચો રમાશે. બધી મેચો ડે-નાઈટ હશે.