સિરાજ ઓચિંતો ભારત પાછો ફર્યો, વિન્ડીઝ સામેની ODI શ્રેણીમાંથી આઉટ

બ્રિજટાઉનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણમાંની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ આજે અહીંના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાવાની છે. આ મેચના આરંભ પૂર્વે એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. અહેવાલ અનુસાર, ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ટીમના સભ્યો રવિચંદ્રન અશ્વિન, કે.એસ. ભરત અને નવદીપ સૈની સાથે સિરાજ પણ ભારત પાછો ફર્યો છે. કહેવાય છે કે સિરાજને વર્કલોડને કારણે વન-ડે શ્રેણીમાંથી બ્રેક આપવામાં આવ્યો છે. વન-ડે મેચોમાં તો સિરાજ હાલ ભારતનો મુખ્ય સ્ટ્રાઈક બોલર રહ્યો છે, પરંતુ આગામી એશિયા કપ અને ODI વર્લ્ડ કપ-2023ને લક્ષમાં રાખીને એને આરામ આપવામાં આવ્યો છે એવું બીસીસીઆઈની નિકટના સૂત્રોનું કહેવું છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વન-ડે મેચોની શ્રેણી પૂરી થઈ ગયા બાદ ભારતીય ટીમ પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી પણ રમવાની છે, પરંતુ સિરાજ તેમાં પણ ભાગ નહીં લે. ટીમ ઈન્ડિયા પાસે હવે મુકેશ કુમાર, શાર્દુલ ઠાકૂર, જયદેવ ઉનડકટ અને ઉમરાન મલિક જેવા ફાસ્ટ બોલરો છે. આમાંના ત્રણને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાશે એ નક્કી છે. સિરાજ ભારત પાછો ફરતાં મુકેશ કુમારને વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પહેલી વન-ડે મેચ બ્રિજટાઉનમાં, બીજી મેચ 29 જુલાઈએ બ્રિજટાઉનમાં અને ત્રીજી મેચ 1 ઓગસ્ટે ટ્રિનિડાડમાં રમાશે.