સિંધુ પહોંચી હોંગ કોંગ ઓપનની સેમી ફાઈનલમાં

હોંગ કોંગ – ભારતની ચેમ્પિયન મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ મહિલાઓની સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં આજે જાપાનની અકેની યામાગુચીને હરાવીને હોંગ કોંગ ઓપન સુપરસિરીઝની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે.

દ્વિતીય સીડ સિંધુએ તેની પાંચમી સીડ જાપાનીઝ હરીફને માત્ર 37 મિનિટની મેચમાં 21-12, 21-19થી હરાવી દીધી હતી.

યામાગુચીએ બીજી ગેમમાં સિંધુને લડત આપી હતી અને એક તબક્કે સિંધુ પાછળ રહી ગઈ હતી, પણ બાદમાં એની આગવી સ્ટાઈલની રમત વડે જમાવટ કરવામાં સફળ થઈ હતી અને મેચ જીતી ગઈ હતી.

સિંધુ સેમી ફાઈનલમાં થાઈલેન્ડની છઠ્ઠી ક્રમાંકિત રેચાનોક ઈન્તાનોન સામે રમશે, જેણે પોતાની ક્વાર્ટર ફાઈનલમાં કેનેડાની મિશેલ લીને પરાજય આપ્યો છે.

સિંધુએ આગલી મેચમાં જાપાનની એયા ઓહોરીને 21-14, 21-17થી હરાવી હતી.