શોએબ મલિક 2019ની વર્લ્ડ કપ બાદ વન-ડે ક્રિકેટમાંથી કદાચ નિવૃત્ત થશે

લાહોર – પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શોએબ મલિકે આવતા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનાર આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધા બાદ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની પોતાની યોજના જાહેર કરી હોવાનો અહેવાલ છે.

મલિકે 1999માં શારજાહ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમીને વન-ડે ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ એ ટ્વેન્ટી-20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવા ઈચ્છે છે, જો એની ફિટનેસ તથા પરફોર્મન્સ યોગ્ય હશે તો.

અમુક અખબારી અહેવાલોએ મલિકને એવું કહેતા ટાંક્યો છે કે 2019ની વર્લ્ડ કપ સ્પર્ધા 50-ઓવરોવાળી ક્રિકેટ ફોર્મેટમાં મારી છેલ્લી સ્પર્ધા હશે. હું શારીરિક રીતે ફિટ હોઈશ તો અને સારો દેખાવ કરવાનો વિશ્વાસ હશે તો ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખીશ.

ભારતની ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝાને પરણેલો મલિક ટેસ્ટ ક્રિકેટમાંથી 2015માં નિવૃત્ત થયો હતો.

વન-ડે ક્રિકેટમાં મલિકે અત્યાર સુધીમાં 35.22ની સરેરાશ સાથે 6,975 રન કર્યા છે જેમાં 9 સદી અને 41 અડધી સદી છે. એણે તેની ઓફ્ફ સ્પિન બોલિંગ વડે 154 વિકેટ પણ ઝડપી છે.

મલિક 2009માં પાકિસ્તાનની વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા અને 2017માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધા જીતનાર ટીમનો સભ્ય હતો.

પાકિસ્તાન 1-8 જુલાઈ સુધી ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે સામે ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં રમશે. એ સિરીઝ બાદ 13 જુલાઈથી એ ઝિમ્બાબ્વે સામે પાંચ-મેચોની વન-ડે ઈન્ટરનેશનલ્સની શ્રેણી રમશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]