મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં રમાનાર એકદિવસીય મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. તે ટીમનું કેપ્ટનપદ શિખર ધવનને સોંપવામાં આવ્યું છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી જેવા અનેક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત છે. ભારતીય ટીમ આ મહિનાના અંતભાગમાં વેસ્ટ ઈન્ડિઝ જવાની છે. એ દરમિયાન ટીમ પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ અને 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમશે.
ટીમઃ શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
ગયા વર્ષે બીજા સિનિયર ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં રમતા હતા એટલે ધવને શ્રીલંકાના પ્રવાસ માટેની ટીમનું સુકાન સંભાળ્યું હતું.
ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ટ્રિનિડાડના ક્વીન્સ પાર્ક ઓવલમાં ત્રણ વન-ડે મેચ રમશે – 22, 24 અને 27 જુલાઈએ. ત્યારબાદ પાંચ ટ્વેન્ટી-20 મેચો ટ્રિનિડાડ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, તથા લોડરહિલ (ફ્લોરિડા – અમેરિકામાં) રમશે. આ મેચો 29 જુલાઈ, 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ, 6 ઓગસ્ટ, 7 ઓગસ્ટે રમાશે.