શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક વિડિયો પોસ્ટ કરીને તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે છેલ્લી મેચ વનડે ફોર્મેટમાં  ડિસેમ્બર, 2022માં રમી હતી. આ મેચ પછી તે સતત ટીમમાંતી બહાર રહ્યો છે. જોકે ધવન IPLમાં રમે એવી શક્યતા છે.

તેણે તેના માર્ગદર્શકો, સાથી ખેલાડીઓ, ચાહકો, દિલ્હી અને ભારતીય ક્રિકેટ બોર્ડનો આભાર માનીને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી નિવૃત્તિની જાહેરાત કરતી વખતે તેણે કહ્યું હતું કે મારા મનમાં હંમેશાં એક જ ધ્યેય હતું કે મારે ભારત માટે રમવું જોઈએ અને મેં આ પદ હાંસલ કર્યું એના માટે ઘણા લોકોનો આભાર માનું છું. મારા પરિવારમાં સૌપ્રથમ, મારા બાળપણના કોચ તારક સિંહા અને મદન શર્મા… તેમના માર્ગદર્શન હેઠળ મેં ક્રિકેટ રમતા શીખ્યું. પછી મારી આખી ટીમ કે જેની સાથે હું વર્ષો સુધી રમ્યો… આ દરમિયાન મને ફેમ અને દરેકનો પ્રેમ અને સપોર્ટ મળ્યો. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.

તેણે વધુમાં કહ્યું હતું કે હવે જ્યારે હું મારી ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું ત્યારે મને સંતોષ છે કે મેં મારા દેશ માટે ઘણું રમ્યું છે. મને આ તક આપવા બદલ હું BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) અને DDCA (દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિયેશન)નો અને મારા તમામ ચાહકોનો પ્રેમ અને સમર્થન માટે ખરેખર આભારી છું. હું મારી જાતને એટલું જ કહું છું કે તમે તમારા દેશ માટે ફરી નહીં રમી શકો એ માટે દુખી ન થાઓ, પરંતુ હંમેશા ખુશ રહો કે તમે તમારા દેશ માટે રમ્યા છો. આ મારા માટે સૌથી મોટી સિદ્ધિ છે.