યશસ્વી જયસ્વાલ ટૂંક સમયમાં ભારતીય ટીમ વતી રમતો જોવા મળશેઃ રવિ શાસ્ત્રી

મુંબઈઃ આઈપીએલની વર્તમાન, 16મી આવૃત્તિમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો યુવા બેટર યશસ્વી જયસ્વાલ જોરદાર બેટિંગ પરફોર્મન્સ વડે સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને જયસ્વાલની બેટિંગ ક્ષમતા અને  ટાઈમિંગ ખૂબ પ્રભાવિત કરી ગયા છે.

સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના ક્રિકેટ લાઈવ પ્રોગ્રામમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું, ‘પસંદગીકારોએ જયસ્વાલની બેટિંગ પર બારીકાઈથી નજર રાખવી જોઈએ. મને તો લાગે છે કે આ બેટર ટૂંક સમયમાં જ આપણને ભારતીય ટીમ વતી રમતો જોવા મળશે. જયસ્વાલ વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે એ પોતાનો દેખાવ સતત સુધારતો રહ્યો છે. એની બેટિંગમાં તાકાત છે, ટાઈમિંગ છે. એનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે.’

ઓપનર જયસ્વાલ હાલ આઈપીએલ-2023માં સૌથી વધારે રન કરનારાઓમાં બીજા નંબરે છે. એણે 12 મેચોમાં 52.27ની સરેરાશ સાથે 575 રન કર્યા છે. એનો સ્ટ્રાઈક રેટ 167થી વધારે છે. એણે અત્યાર સુધીમાં સ્પર્ધામાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. એનો શ્રેષ્ઠ સ્કોર 124 છે. એણે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી – 13 બોલમાં, હાફ સેન્ચુરી ફટકારી છે.