પાકિસ્તાનના કેપ્ટન પદેથી સરફરાઝને દૂર કરાયો; અઝહર અલી, બાબર નવા કેપ્ટન

લાહોર – સરફરાઝ એહમદને પાકિસ્તાનની ટેસ્ટ અને ટ્વેન્ટી-20 ફોર્મેટની ટીમના કેપ્ટન પદેથી દૂર કરવામાં આવ્યો છે. એની જગ્યાએ અઝહર અલીને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો છે અને બાબર આઝમને ટ્વેન્ટી-20 ટીમનો કેપ્ટન બનાવાયો છે. આઝમ આવતા વર્ષે નિર્ધારિત વર્લ્ડ T20 સ્પર્ધા સુધી ટીમનો કેપ્ટન રહેશે.

આ વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાઈ ગયેલી 50-ઓવરોવાળી વર્લ્ડ કપ સ્પર્ધામાં પાકિસ્તાન ટીમના નબળા દેખાવને પગલે સરફરાઝના સુકાનીપદની આકરી ટીકા કરવામાં આવી છે. એને પાકિસ્તાન ટીમના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાંથી પડતો પણ મૂકી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પાકિસ્તાન ટીમ ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો અને બે ટેસ્ટ મેચો રમશે.

સરફરાઝ એહમદના સુકાનીપદ હેઠળ પાકિસ્તાને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધા જીતી હતી અને T20I રેન્કિંગ્સમાં પહેલો ક્રમાંક હાંસલ કર્યો હતો. તે છતાં હાલમાં જ ઘરઆંગણે શ્રીલંકા સામે T20I સિરીઝમાં વ્હાઈટ વોશ પરાજયને પગલે સરફરાઝની હકાલપટ્ટી નિશ્ચિત હતી.

સુકાનીપદેથી પોતાની હકાલપટ્ટી કરાઈ એ વિશે સરફરાઝે કહ્યું કે, સર્વોચ્ચ સ્તરે (વર્લ્ડ કપમાં) પાકિસ્તાન ટીમનું નેતૃત્ત્વ કરવા મળ્યું એને હું મારું અહોભાગ્ય સમજું છું. હું મારા તમામ સાથીઓ, કોચ અને પસંદગીકારોનો આભાર માનું છું જેમણે મને મારી આ સફરમાં મદદ કરી છે. અઝહર અલી, બાબર આઝમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમને મારી શુભેચ્છા છે. મને આશા છે કે તેઓ વધુ ને વધુ શક્તિ પ્રાપ્ત કરશે.

અઝહર અલીએ કહ્યું છે કે નવોદિત ખેલાડીઓને અનુભવી ખેલાડીઓ તરીકે બનાવવામાં સરફરાઝે ઘણી સરસ ભૂમિકા ભજવી છે.

બાબર આઝમે કહ્યું કે વિશ્વમાં નંબર-1 રેન્કવાળી ટીમનો મને કેપ્ટન બનાવાયો એ મારી કારકિર્દીમાં બનેલી સૌથી મોટી ઘટના છે. હું આ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છું અને પ્રક્રિયામાં વધુ શીખવા પણ તૈયાર છું.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન એહસાન મનીએ કહ્યું કે સરફરાઝને ટીમમાંથી પડતો મૂકવાનો નિર્ણય લેવાનું કામ અમારે માટે કપરું હતું, પરંતુ એણે ફોર્મ ગુમાવી દીધું હતું એટલે ટીમના હિતમાં અમે એને પડતો મૂકવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન આવતી 3, 5, 8 નવેંબરે ઓસ્ટ્રેલિયા સામે 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા 21-25 નવેંબરે બ્રિસ્બેન અને ત્યારબાદ 29 નવેંબર-3 ડિસેંબરે એડીલેડમાં ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ પાકિસ્તાન ઘરઆંગણે શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે બબ્બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે.