જાણો ICCની પ્રથમ મહિલા રેફરી જીએસ લક્ષ્મી વિશે…

નવી દિલ્હી: ભારતની જીએસ લક્ષ્મી આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેચની પ્રથમ મહિલા રેફરી બની છે. હવે તે તાત્કાલિક પ્રભાવથી આંતરાષ્ટ્રીય મેચોમાં પોતાની સેવાઓ આપી શકે છે. ગયા સપ્તાહે જ આઈસીસી એ આઈસીસી પુરુષ ટી-20 વર્લ્ડ કપ ક્વાલિફાયર 2019ના લીગ માટે મેચ અધિકારીઓની યાદીની જાહેરાત કરી. જેમાં જીએસ લક્ષ્મીની સાથે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન જેફ ક્રો પણ સામેલ છે. લક્ષ્મી અબૂ ધાબીના ઝાયદ સ્ટેડિયમમાં હોંગકોંગ અને આયરલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં રેફરીની ભૂમિકા નિભાવશે.

લક્ષ્મીએ કહ્યું કે, આઈસીસીની આંતરાષ્ટ્રીય પેનલમાં પસંદગી થવી માટે માટે મોટા સમ્માનની વાત છે. કારણ કે આના કારણે મારા માટે નવા રસ્તાઓ ખુલશે. ભારતમાં એક ક્રિકેટર અને મેચ રેફરી તરીકે મારી લાંબી કારકિર્દી રહી છે. આશા છે કે, હું એક ખેલાડી અને મેચ અધિકારીના રૂપમાં મારા અનુભવનો આંતરાષ્ટ્રીય સર્કિટમાં સારો ઉપયોગ કરી શકીશ.

લક્ષ્મીએ આના માટે આઈસીસી અને બીસીસીઆઈના અધિકારીઓ સહિત તેમના એ તમામ મિત્રો અને પરિવારના સભ્યોનો પણ અભાર માન્યો જેમણે હંમેશા તેમનું મનોબળ વધાર્યું. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, હું તમામ આશાઓ પર ખરી ઉતરીશ અને પોતાની ક્ષમતા અનુસાર સારું પ્રદર્શન આપીશ.

મૂળ આંધ્રપ્રદેશની 51 વર્ષની જીએસ લક્ષ્મીનું આખુ નામ ગાંડિકોટા સર્વ લક્ષ્મી છે. તે ભારતીય ક્રિકેટ મેચ રેફરી અને એક પૂર્વ ઘરેલૂ ક્રિકેટ ખેલાડી અને કોચ રહી ચૂકી છે. તે જમણેરી બેટ્સમેન અને મિડિયમ ફાસ્ટ આઉટસ્વિંગ બોલર રહી છે. તેમનો ઉછેર જમશેદપુરમાં થયો જ્યાં તેમના પિતા નોકરી કરતા હતાં. લક્ષ્મીએ ટાટા નગરમાં ક્રિકેટ રમવાનું શરુ કર્યુ હતુ. સ્પોર્ટસ્ કોટા હેઠળ તેમનુ એડમિશન જમશેદપુર મહિલા કોલેજમાં થયું જ્યાં તેમની ફાસ્ટ બોલિંગના ઘણા વખાણ થયાં. 1989માં તે હૈદરાબાદ સિફ્ટ થઈ અને દક્ષિમ મધ્ય રેલવેમાં નોકરી કરવા લાગી. ત્યારબાદ દક્ષિમ મધ્ય રેલવે ક્રિકેટ ટીમ તરફથી રમવાનુ શરુ કર્યું. લક્ષ્મીએ 1989 અને 2004ની વચ્ચે આંધ્ર મહિલા, બિહાર મહિલા, રેલવે મહિલા, પૂર્વી ક્ષેત્ર મહિલા અને દક્ષિણ ક્ષેત્ર મહિલા સહિત અને ઘરેલુ ટીમો તરફ ક્રિકેટ રમી.

2008-2009માં પ્રથમ વખત ઘરેલૂ મહિલા ક્રિકેટમાં મેચ રેફરીની ભૂમિકા નિભાવી હતી. લક્ષ્મી મહિલા ક્રિકેટ સાથે સંકળાયેલા એક આંતરાષ્ટ્રીય વન-ડે અને ત્રણ આંતરાષ્ટ્રીય ટી-20 મેચોમાં મેચ રેફરીની ભૂમિકા નિભાવી ચૂકી છે. આ વર્ષે મે મહિનામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જીએસ લક્ષ્મીને મેચ રેફરી તરીકે આંતરાષ્ટ્રીય પેનલમાં સ્થાન આપ્યું હતું. આ સાથે જ લક્ષ્મી આ પેનલમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા બની.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]