સંકેત સરગરે વેઇટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો

બર્મિંઘહામઃ ઇંગ્લેન્ડના બર્મિઘહામમાં 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે ભારત માટે આનંદના સમાચાર છે. ભારતના સંકેત સરગરે 55 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ છે.મહારાષ્ટ્રના સાંગલીનો રહેવાસી સંકેત સરગરે આ વખતે કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે પહેલા રાઉન્ડમાં એટલે કે સ્નેચમાં બેસ્ટ 113 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું.

ત્યાર બાદ બીજા રાઉન્ડ એટલે કે ક્લીન એન્ડ જર્કમાં 135 કિગ્રા વજન ઉઠાવીને મેડલ પોતાને નામે કર્યો હતો. સંકેત સરગરે બે રાઉન્ડમાં છ પ્રયાસમાં પોતાની સંપૂર્ણ તાકાત રાખી દીધી હતી અને કુલ 228 કિગ્રા વજન ઉઠાવતાં સિલ્વર મેડલને પોતાને નામે કર્યો હતો. 

બીજા રાઉન્ડમાંના છેલ્લા બે પ્રયાસમાં સંકેતને ઇજા પણ થઈ હતી. બીજા પ્રયાસમાં સંકેત 139 કિગ્રા વજન ઉઠાવવા ઇચ્છતો હતો., પણ તે ઉઠાવી નહીં શક્યો અને તેને ઇજા થઈ હતી. મેડિકલ ટીમે સંકેતની તપાસ કરી હતી અને તરત સારવાર કરી હતી. ત્યાર બાદ સંકેત ત્રીજા પ્રયાસ માટે તૈયાર થઈ ગયો હતો. ત્રીજા પ્રયાસમાં પણ સંકેત ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મલેશિયાના બિન કસદન મોહમ્મદ અનિક કુલ 249 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.