વેઈટલિફ્ટિંગમાં ભારતને બીજો સુવર્ણચંદ્રકઃ જેરેમી લાલરિનુંગાએ રચ્યો-ઈતિહાસ

બર્મિંઘમઃ અહીં રમાતા 22મા રાષ્ટ્રકૂળ રમતોત્સવ (કોમનવેલ્થ ગેમ્સ)માં વેઈટલિફ્ટિંગની રમતમાં ભારતે બીજો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આજે પુરુષોના વર્ગમાં, જેરેમી લાલરિનુંગાએ 67 કિગ્રા. વર્ગમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. એણે સ્નેચમાં 140 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉંચકી બતાવ્યું હતું. આમ તેણે કુલ 300 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્તમાન ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક ગઈ કાલે મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિલોગ્રામ કેટેગરીમાં અપાવ્યો હતો.

મિઝોરમના ઐઝવાલ શહેરના વતની અને માત્ર 19 વર્ષના લાલરિનુંગાએ 300 કિલો વજન ઉંચકીને ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ હરીફાઈનો રજત ચંદ્રક સમોઆના વાઈપાવા નેવોએ (293 કિલોગ્રામ) અને કાંસ્ય ચંદ્રક નાઈજિરીયાના એડિડીયોંગ જોસેફ ઉમોફિયાએ (290 કિ.ગ્રા.) જીત્યો હતો.