1,000-મહેમાનોની હાજરીવાળી ઈમારતો/સ્થાનોમાં CCTV કેમેરા બેસાડવાનું ફરજિયાત

અમદાવાદઃ દરરોજ જ્યાં 1,000 કે તેથી વધારે સંખ્યામાં લોકો ભેગા થતા હોય એવા તમામ શૈક્ષણિક, ખેલકૂદ, ધાર્મિક સ્થાનો, સ્પોર્ટ્સ સંકુલો, ઔદ્યોગિક વિસ્તારો જેવા જાહેર સ્થળો ખાતે સીસીટીવી કેમેરા બેસાડવાનું ગુજરાત સરકારે ફરજિયાત બનાવ્યું છે. આ નિયમ આવતી કાલ, 1 ઓગસ્ટથી અમલમાં આવશે.

મુખ્ય પ્રધાનના કાર્યાલય તરફથી આ સંદર્ભમાં બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઉક્ત નિયમ હેઠળ આવતા સ્થાનો/ઈમારતોએ ઓછામાં ઓછા એક મહિના સુધી સીસીટીવી ફૂટેજનો સંગ્રહ કરી રાખવો પડશે. જાહેર સ્થળોએ મહેમાનો/મુલાકાતીઓની સલામતીને ખાતર તેમજ ગુનાઓ થતા રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શરૂઆતમાં આ નિયમનો અમલ આઠ મહાનગરપાલિકા શહેરોમાં કરવામાં આવશે – અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર. સીસીટીવી સિસ્ટમનું નિયમિત રીતે નિરીક્ષણ કરવામાં આવશે અને જો તેમાં કોઈ ખામી જણાશે તો પબ્લિક સેફ્ટી કમિટી એનો અહેવાલ સરકારને આપશે. કોઈ પણ સોસાયટી કે સંસ્થાને અહેવાલ સામે વાંધો હોય તો એમણે 30 દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ એને પડકારવાનો રહેશે.