સંજુ સેમસને T20 વર્લ્ડ કપ માટે દાવેદારી મજબૂત કરી

ડબલિનઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન સંજુ સેમસને ધમાકેદાર દેખાવ કરતાં T20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. સંજુ આયર્લેન્ડના પ્રવાસ માટે ટીમમાં પસંદ થયો હતો. જોકે પહેલી મેચમાં તક નહોતી મળી, પણ બીજી મેચમાં ગાયકવાડ અનફિટ હોવાને કારણે સંજુને તક મળી હતી. સંજુએ આ તક ઉઠાવતાં આયર્લેન્ડની સામે 42 બોલ પર 77 રનોની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. સંજુએ 183.33 સ્ટ્રાઇક રેટ સાથે ચાર છગ્ગા અને નવ ચોક્કા ફટકાર્યા હતા. વર્લ્ડ કપ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાવાનો છે. આ ટુર્નામેન્ટમાં 16 ઓક્ટોબરથી શરૂ થવાની છે, જેની ફાઇનલ 13 નવેમ્બરે રમાવાની છે.

સંજુની કેરિયરની આ પહેલી અડધી સદી હતી. આ મેચ પહેલાં તેનો શ્રેષ્ઠ સ્કોર 46 રનનો હતો. સંજુએ અત્યાર સુધી ભારત માટે 15 મેચ રમી છે, જેમાં તેણે 21.21ની સરેરાશે 297 રન બનાવ્યા છે. સંજુએ એ તેની પહેલી ડેબ્યુ મેચ વર્ષ 2015માં રમી હતી. સંજુએ આ વખતે IPL-2022ની સીઝન શાનદાર રહી હતી. રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ કરતાં સંજુએ ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે તેની ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ગુજરાત ટાઇટન્સની સામે હારી ગઈ હતી. સંજુએ IPL 2022ની સીઝનમાં 17 મેચોમાં 28.63 રનની સરેરાશ સાથે 458 રન બનાવ્યા હતા.   

ટીમ ઇન્ડિયા માટે આયર્લેન્ડનો પ્રવાસ ઘણો શાનદાર રહ્યો હતો. હાર્દિક પંડયાની આગેવાનીમાં ટીમે સિરીઝને 2-0થી ક્લીન સ્વિપ કરી હતી.