ઈટાનગર – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ઈશાન ભારતના સરહદીય રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં એક-દિવસના પ્રવાસે ગયો છે. ત્યાં એણે આજે એક એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.
સલમાન ખાન અરૂણાચલ પ્રદેશ ટૂરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
સલમાને આજે અરૂણાચલ પ્રદેશમાં મેન્ચુકા એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું અને એમાં હાજરી આપી હતી. આ મહોત્સવ આજથી શરૂ થયો છે.
સલમાન આજે બપોરે લગભગ બે વાગ્યે આસામના દિબ્રુગઢ એરપોર્ટથી અરૂણાચલ પ્રદેશના પાટનગર ઈટાનગર અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા મેન્ચુકા પહોંચ્યો હતો.
સલમાન ખાન અને કેન્દ્રના ગૃહ રાજ્યપ્રધાન કિરન રિજીજુ તથા અરૂણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ પણ ફેસ્ટિવલ ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા.
સલમાને MTB અરૂણાચલ પ્રદેશ માઉન્ટેન બાઈસીકલ રેસની બીજી આવૃત્તિનું પણ ઉદઘાટન કર્યું હતું અને પેમા ખાંડુ તથા રિજીજુની સાથે 10 કિ.મી.ની બાઈસીકલ સફરનો આનંદ માણ્યો હતો.
અરૂણાચલ પ્રદેશ રાજ્ય એડવેન્ચર ટૂરિઝમ માટે દેશી-વિદેશી પર્યટકોમાં ખૂબ જાણીતું છે.
મેન્ચુકાનાં લોકો સલમાનની ઝલક જોવા, એને મળવા અને એને સાંભળવા માટે ટોળે વળ્યાં હતાં.