સ્ટોઈનીસના ઓલરાઉન્ડ દેખાવે ઓસ્ટ્રેલિયાને પહેલી T20I મેચમાં ભારત સામે 4-રનથી જિતાડ્યું

બ્રિસ્બેન – ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનીસે ઓલરાઉન્ડ દેખાવ કરતાં ભારતીય ટીમ આજે અહીં ગબ્બા મેદાન પર પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 4-રનથી હારી ગયું. ત્રણ-મેચોની સીરિઝની બીજી મેચ 23મીએ મેલબર્નમાં રમાશે. સ્ટોઈનીસે બેટિંગમાં અણનમ 33 રન કર્યા હતા અને મેચની આખરી ઓવરમાં ભારતની બે વિકેટ ઝડપી હતી.

માર્કસ સ્ટોઈનીસની પીઠ થાબડતો કેપ્ટન આરોન ફિન્ચ

વરસાદે વિઘ્ન નાખ્યું હોવાને કારણે મેચને ટીમ દીઠ 17 ઓવરની કરી દેવામાં આવી હતી. એમાં વળી ડકવર્થ/લૂઈસ મેથડ અપનાવાતાં ભારતને જીત માટે ઓસ્ટ્રેલિયા કરતાં વધારે સ્કોર કરવાની ફરજ પડી હતી.

પ્લેયર ઓફ ધ મેચ – એડમ ઝમ્પા

વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટે 158 રન કર્યા હતા. D/L મેથડ અનુસાર ભારતીય ટીમને એટલી જ 17 ઓવરમાં જીત માટે 174 રન કરવાનો ટાર્ગેટ અપાયો હતો. ભારતીય ટીમ 17 ઓવરમાં 7 વિકેટે 169 રન કરી શકી હતી. આમ, ભારતે 17 ઓવરમાં ઓસ્ટ્રેલિયા કરતાં વધારે રન કર્યાં તે છતાં એ પરાજિત થઈ.

સ્ટોઈનીસે ઓસ્ટ્રેલિયાના દાવમાં 19-બોલમાં 33 રન કર્યા હતા. બાદમાં, ભારતના દાવમાં એણે ભારતની બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. ભારત એક સમયે ટાર્ગેટની નજીક પહોંચી ગયું હતું, પણ સ્ટોઈનીસે મેચની છેલ્લી ઓવરમાં કૃણાલ પંડ્યા (2) અને દિનેશ કાર્તિક (30), એમ બે બોલમાં બે વિકેટ લીધી હતી. જોકે પ્લેયર ઓફ ધ મેચ ઓસ્ટ્રેલિયાના લેગસ્પિનર એડમ ઝમ્પાને ઘોષિત કરવામાં આવ્યો હતો જેણે 4 ઓવરમાં 22 રન આપીને લોકેશ રાહુલ (13) અને વિરાટ કોહલી (4)ની વિકેટ લીધી હતી.

ચેઝ માટે ભારતની શરૂઆત સારી નહોતી. રોહિત શર્મા સાત રન કરીને અને કેપ્ટન કોહલી 4 રન કરીને આઉટ થયો હતો. જોકે શિખર ધવને ફટકાબાજી ચાલુ રાખી હતી. એણે 42 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 76 રન ઝૂડી કાઢ્યા હતા. એણે પોતાના 50 રન 28 બોલમાં પૂરા કર્યા હતા.

આ દાવ સાથે ધવને ટ્વેન્ટી-20 ફોર્મેટમાં 2018ના કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો છે. ધવને આ વર્ષમાં કુલ 646 રન કર્યા છે. કોહલી 641 રન સાથે બીજા નંબરે છે.

દિનેશ કાર્તિકે 13 બોલમાં 30 (4 ચોગ્ગા, એક છગ્ગો) સાથે ભારત માટે જીતની આશા જીવંત રાખી હતી. વિકેટકીપર રિષભ પંતે પણ 15 બોલમાં 20 રન (એક ચોગ્ગો, એક છગ્ગો) સાથે કાર્તિકને સાથ આપ્યો હતો. આ બંનેએ પાંચમી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. પરંતુ, એન્ડ્ર્યુ ટાઈએ પંતને કેચઆઉટ કરાવતાં ભારતની આગેકૂચને મોટો ફટકો પડ્યો હતો.

ત્યારબાદ સ્ટોઈનીસે પંડ્યા અને કાર્તિકની વિકેટ પાડી દેતાં ભારતની જીતની આશા પડી ભાંગી હતી.

અગાઉ, ગ્લેન મેક્સવેલ (46) ઓસ્ટ્રેલિયાના દાવનો ટોપ સ્કોરર રહ્યો હતો. એણે અને સ્ટોઈનીસે મળીને ચોથી વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી.

ઓસ્ટ્રેલિયાના દાવ દરમિયાન વરસાદ પડ્યો હતો અને એને કારણે લગભગ એક કલાકનો સમય વેડફાઈ ગયો હતો.

બંને ટીમ આ મુજબ હતીઃ

ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ખલીલ એહમદ.

ઓસ્ટ્રેલિયાઃ ડી. આર્સી શોર્ટ, આરોન ફિન્ચ (કેપ્ટન), ક્રિસ લીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, બેન મેકડરમોટ, એલેક્સ કેરી, એન્ડ્ર્યુ ટાઈ, એડમ ઝમ્પા, જેસન બેરનડોર્ફ, બિલી સ્ટેનલેક.