રોહિતના દિવસો બદલાયા! ODI કેપ્ટનપદ પણ જશે?

મુંબઈઃ કેપ્ટન તરીકે રોહિત શર્માની કામગીરીથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ખુશ નથી. તે એક મોટો નિર્ણય લેવાની તજવીજમાં છે. ગયું 2022નું આખું વર્ષ દેશમાં તેમજ દેશની બહાર રમાઈ ગયેલી સ્પર્ધાઓમાં ભારતીય ટીમે સંતોષકારક દેખાવ ન કરતાં બીસીસીઆઈના મોવડીઓમાં નારાજગી પ્રવર્તે છે. એનો પહેલો ફટકો રોહિત શર્માને પડે એવું લાગે છે. ટ્વેન્ટી-20 બાદ હવે વન-ડે ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટનપદેથી પણ એની હકાલપટ્ટી થાય એવી સંભાવના છે.

ભારતીય ટીમ એશિયા કપમાં ફાઈનલમાં પહોંચી હતી, પણ ત્યાં એનો શ્રીલંકા સામે પરાજય થયો હતો. તે પછી આઈસીસી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં એનો ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ પણ ગુમાવી હતી. ક્રિકેટ બોર્ડે ટ્વેન્ટી-20 ટીમનું સુકાન રોહિત શર્મા પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપ્યું છે. હવે વન-ડે ટીમનું સુકાન પણ એને જ આપી દેવા બોર્ડમાં વિચારણા ચાલી રહી છે. 2023ના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધા યોજાવાની છે. વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનું સુકાન રોહિત જ સંભાળશે એવું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ બાંગ્લાદેશ સામેના પરાજય બાદ બધું ગણિત બદલાઈ ગયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, વન-ડે ટીમનું સુકાન સંભાળવા મુદ્દે બીસીસીઆઈ અધિકારીઓ હાર્દિક પંડ્યા સાથે ચર્ચા કરી રહ્યા છે. હાર્દિકે જવાબ આપવા માટે થોડોક સમય માગ્યો છે. હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલ-2022 ટાઈટલ જીત્યું હતું. એણે પોતે બેટિંગ અને બોલિંગ, બંને વિભાગમાં ઉત્તમ દેખાવ કર્યો હતો. રોહિત શર્માને ઈજા અને ફિટનેસની સમસ્યા પણ સતાવતી રહી છે. આ બધા મુદ્દા પર વિચાર કરીને બીસીસીઆઈએ વન-ડે ટીમના નેતૃત્વમાં ફેરફાર કરવાનો વિચાર કર્યો છે.