ભારતે પહેલી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને 8-વિકેટથી ધૂળ ચાટતું કરી દીધું

નોટિંઘમ – અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે આજે રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8-વિકેટથી પરાજય આપી ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 14 જુલાઈએ લંડનમાં રમાશે.

ઈંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 268 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

તેના જવાબમાં ભારતે 41.1 ઓવરમાં 2 વિકેટે 269 રન કરીને મેચ જીતી લીધી. રોહિત શર્મા કારકિર્દીની 18મી સદી રૂપે અણનમ 137 રન સાથે નોટઆઉટ રહ્યો તો સામે છેડે લોકેશ રાહુલ 9 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ભારતની આ જીતમાં ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે જેણે એની 10 ઓવરમાં 25 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. એને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

કુલદીપ યાદવ – કાંડાની કરામત વડે 25 રનમાં 6 વિકેટ લીધી… મેન ઓફ ધ મેચ

શર્માએ 82 બોલમાં તેની સેન્ચુરી પૂરી કરી હતી. તેણે અને કેપ્ટન વિરાટ કોહલી (75)એ બીજી વિકેટ માટે 167 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન 40 રન કરીને આઉટ થયો હતો.

શર્માએ તેના 137 રન 114 બોલમાં કર્યા હતા જેમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલીએ 82 બોલનો સામનો કર્યો હતો અને 7 બાઉન્ડરી ફટકારી હતી.

ઈંગ્લેન્ડના દાવમાં, બેટિંગ માટે સ્વર્ગ સમાન પીચ ઉપર ચમકીને કુલદીપ યાદવે એની કારકિર્દીનો બેસ્ટ બોલિંગ દેખાવ કર્યો હતો. એણે ઝડપેલા શિકાર છેઃ જેસન રોય (38), જોની બેરસ્ટો (38), જો રૂટ (3), બેન સ્ટોક્સ (50), વિકેટકીપર જોસ બટલર (53) અને ડેવીડ વિલી (1).

વિરાટ કોહલીએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંંત્રણ આપ્યું હતું. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 9.5 ઓવરમાં 70 રનના ખર્ચે બે વિકેટ લીધી હતી. લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 51 રન આપીને ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગન (19)ને આઉટ કરવામાં સફળતા મેળવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]