બેંગલુરુઃ ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) તરફથી આજે આની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રોહિતને ક્રિકેટ મેચ રમવા માટે ફિટ ઘોષિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં આઈપીએલ-2020 દરમિયાન રોહિતના ઘૂંટણની પાછળની બાજુની મોટી નસ ખેંચાઈ ગઈ હતી. પરિણામે એને ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત હતી. રોહિત ગઈ 19 નવેમ્બરે એનસીએમાં ગયો હતો અને ત્યાં રિહેબિલિટેશન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરથી એડિલેડ ઓવલમાં શરૂ થશે, જે ડે-નાઈટ હશે. કેપ્ટન વિરાટ કોહલી એની પત્ની અનુષ્કાને પહેલી ડિલિવરીનો સમય નિકટ આવી ગયો હોવાથી એની પાસે રહેવા માટે પહેલી ટેસ્ટ મેચમાં રમ્યા બાદ તે ભારત પાછો ફરશે. બીજી ટેસ્ટ મેચ 25 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. અને ત્યારબાદ ત્રીજી અને ચોથી મેચ અનુક્રમે સિડની અને બ્રિસ્બેનમાં 6 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીથી રમાશે.
32-વર્ષીય રોહિત હવે 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. જોકે બીસીસીઆઈ તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ રોહિતને 14-દિવસ સુધી હાર્ડ ક્વોરન્ટાઈન અવસ્થામાં અને ભારતીય ટેસ્ટ ટીમથી અલગ રહેવું પડશે. ત્યારબાદ એ છેલ્લી બે ટેસ્ટમેચમાં રમી શકશે.