‘મુંબઈ ઈન્ડિયન્સના રોહિત, હાર્દિક સાજા થઈ ગયા છે’

અબુધાબીઃ આઈપીએલ-2021ના દ્વિતીય ચરણની મેચો યૂએઈમાં રમાઈ રહી છે, પરંતુ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19મીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સ્વાસ્થ્યના કારણોસર રમી શક્યા નહોતા. બંને જણ સાજા થઈ રહ્યા છે અને પહેલી મેચમાં એમને આરામ આપવાનો નિર્ણય યોગ્ય જ હતો, એમ ટીમના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું છે. બોલ્ટે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રોહિત અને હાર્દિક સાજા થઈ ગયા છે. હવે પછીની મેચમાં એમની પસંદગી કરાશે કે નહીં એની મને ખાતરી નથી. સાવચેતીને ખાતર એમને પહેલી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડ સામે ઓવલમાં રમાઈ ગયેલી ટેસ્ટ મેચ વખતે રોહિત શર્માને ઘૂંટણમાં ઈજા થઈ હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 19મીની મેચ પૂર્વે શરીરમાં બેચેની અને પીડા થતી હોવાની ફરિયાદ કરી હતી. તે મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ ટીમ સામે કાઈરન પોલાર્ડની આગેવાની હેઠળની મુંબઈ ટીમનો 20-રનથી પરાજય થયો હતો. આઠ ટીમોના પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈ ટીમ હાલ ચોથા ક્રમે છે. ટીમનો આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુકાબલો છે.