રિષભ પંતને વધુ સારવાર માટે મુંબઈમાં લવાશે

મુંબઈઃ કાર અકસ્માતમાં ગંભીર રીતે જખ્મી થયેલા ભારતીય ટીમના વિકેટકીપર-બેટર રિષભ પંતને વધુ સારવાર આપવાની જરૂર છે અને એ માટે તેને આજે દેહરાદૂનમાંથી મુંબઈ લાવવામાં આવશે. આ જાણકારી દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ડાયરેક્ટર શ્યામ શર્માએ આપી છે. ગઈ 30 ડિસેમ્બરે પંત તેની મર્સિડીઝ કારમાં નવી દિલ્હીથી રુડકી જતો હતો ત્યારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેની કાર એક રોડ ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી અને એમાં આગ લાગી હતી. પંતને ઘણી ઈજાઓ થઈ હતી. તે ભયાનક અકસ્માત ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં માંગલૌર અને નારસન વચ્ચેના સ્થળે થયો હતો. 25 વર્ષીય પંતને પહેલાં દેહરાદૂનની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મુંબઈમાં કઈ હોસ્પિટલમાં પંતને દાખલ કરાશે તે મીડિયાને બાદમાં જણાવવામાં આવશે. પંતની સારવારનો તમામ ખર્ચ ભારરતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઉઠાવનાર છે. પંત ગયા મહિને ઢાકામાં બાંગ્લાદેશ સામે રમાઈ ગયેલી બે ટેસ્ટ-મેચની શ્રેણી રમનાર ભારતીય ટીમનો સભ્ય હતો. તે શ્રેણી ભારત 2-0થી જીત્યું હતું. બીજી ટેસ્ટ મેચના પહેલા દાવમાં પંતે 93 રન ફટકાર્યા હતા, જે મેચ-વિનિંગ સાબિત થયા હતા.