ટીમ ઈન્ડિયાના હેડ-કોચઃ દ્રવિડ લેશે શાસ્ત્રીનું સ્થાન?

મુંબઈઃ ભારતના પુરુષ ક્રિકેટરોની ટીમના હેડ કોચ તરીકે ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. હાલના કોચ રવિ શાસ્ત્રીની મુદત આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે પૂરી થશે. તેઓ એમની મુદત લંબાવવા વિશે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કહેવાના નથી, એવું ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે. દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા છે. આ પદ તેઓ 2019ની સાલથી સંભાળી રહ્યા છે. આ પદ પર ચાલુ રહેવા માટે ફરી અરજી કરવા માટે એમની પાસે 15 ઓગસ્ટ સુધીનો સમય છે. એમને 2015માં ઈન્ડિયા-A અને અન્ડર-19 ટીમોના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે ક્રિકેટ બોર્ડે અરજી મગાવવાની શરૂઆત કરી દીધી છે.

યૂએઈમાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ શાસ્ત્રીની જેમ બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોર ટીમ ઈન્ડિયાનો સાથ છોડી દે એવા વિચારે છે. શાસ્ત્રીએ છ વર્ષ સુધી ટીમ ઈન્ડિયા માટે સેવા બજાવી છે. પહેલાં તેઓ ટીમ ડાયરેક્ટર તરીકે હતા અને ત્યારબાદ હેડ કોચ બન્યા છે. એમના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગ્સમાં નંબર-1 સ્થાને પહોંચી શકી હતી તેમજ ઓસ્ટ્રેલિયામાં બેક-ટુ-બેક ટેસ્ટ સિરીઝ જીતી શકી હતી અને દક્ષિણ આફ્રિકામાં પહેલી જ વાર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ પણ જીતી શકી હતી. એમના જ માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ 2019ની ODI વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં પહોંચી હતી અને આ વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી હતી.