મુંબઈઃ આઈપીએલ-2023ની અમુક ટીમના માલિકોએ 6 ઈંગ્લિશ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડીને એક વર્ષ માટે T20 લીગ રમવા માટે રૂ. 50 કરોડની ઓફર કરી છે. ‘ટાઈમ્સ લંડન’ના અહેવાલ મુજબ, અનેક ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ સાથે વર્ષભરનો કરાર કરવા પ્રયત્નશીલ છે. આ કરાર અનુસાર, ખેલાડીઓએ આખા વર્ષ દરમિયાન જુદી જુદી T20 લીગ સ્પર્ધાઓમાં રમવાનું રહેશે. આમાં આઈપીએલ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝની સીપીએલ, દક્ષિણ આફ્રિકાની SAT20 લીગ, યૂએઈની ગ્લોબલ T20 લીગ અને અમેરિકામાં યોજાનાર T20 લીગ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ તમામ લીગમાં 10 આઈપીએલ ફ્રેન્ચાઈઝી સહિત અનેક ટીમો છે.
ટાઈમ્સ લંડનના અહેવાલમાં જોકે એ સ્પષ્ટ કર્યું નથી કે કયા ખેલાડીઓને આ ઓફર કરવામાં આવી છે અને ઓફર કરનાર ટીમના માલિકો કોણ છે? હાલ ફૂટબોલમાં આવું જ ચાલે છે. પરંતુ ક્રિકેટમાં પ્રત્યેક દેશના ખેલાડીને તેના દેશના ક્રિકેટ બોર્ડની પરવાનગી પ્રમાણે રમવું પડે છે.