લંડનઃ ઈંગ્લેન્ડનો ધરખમ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં રમે એ વિશે પ્રશ્નાર્થ સર્જાયો છે. આનું કારણ એ છે કે સ્ટોક્સના પિતાને બ્રેન કેન્સર હોવાનું નિદાન થયું છે.
સ્ટોક્સ હાલ એના પિતા પાસે ગયો છે જે ન્યૂઝીલેન્ડમાં એમના નિવાસસ્થાને રહે છે.
સ્ટોક્સ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો સભ્ય છે.
આ વખતની આઈપીએલ, જે 13મી આવૃત્તિ હશે એ યૂએઈમાં રમાવાની છે અને એનો આરંભ 19 સપ્ટેંબરથી થવાનો છે.
સ્ટોક્સ હાલ ઉપલબ્ધ ન હોવાથી એને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટ્વેન્ટી-20 સિરીઝ માટેની ઈંગ્લેન્ડ ટીમમાં પણ સામેલ કરાયો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે.
આ વખતની આઈપીએલમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર સુરેશ રૈના પણ અંગત કારણોસર ખસી ગયો છે. એવી જ રીતે, ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર કેન રિચર્ડસન પણ એની પત્ની એમના પ્રથમ સંતાનને જન્મ આપવાની હોવાથી એની પાસે રહેવા માગે છે તેથી આઈપીએલમાં મોડો જોડાશે અથવા આખી સ્પર્ધામાંથી ખસી જાય એવી પણ ધારણા છે.
