પૃથ્વી શૉની બેટિંગ ટેક્નિકમાં ખામી તેંડુલકરે શોધી

મુંબઈઃ ઓસ્ટ્રેલિયામાં એડીલેડમાં રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચ, જે ડે-નાઈટ હતી, તેમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતના થયેલા 8-વિકેટથી ઘોર પરાજયથી ભારતના ક્રિકેટપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. મેચના બીજા દાવમાં ભારતીય ટીમ માત્ર 36 રન જ કરી શકી હતી. ભારતના ક્રિકેટપ્રેમીઓને વધુ રોષ એ ચડ્યો છે કે ઓપનર પૃથ્વી શૉ બંને દાવમાં સાવ નિષ્ફળ ગયો હતો. પહેલા દાવમાં તો એ બીજા જ બોલે અને ઝીરો પર જ આઉટ થયો હતો અને બીજા દાવમાં ચાર બોલમાં માત્ર 4 રન જ કરી શક્યો હતો. વાસ્તવમાં, પૃથ્વી શૉએ ટેસ્ટ મેચ પૂર્વેની બંને વોર્મ-અપ મેચમાં નિરાશાજનક દેખાવ કર્યો હતો તે છતાં ટીમ મેનેજમેન્ટે કે.એલ. રાહુલ અને શુભમન ગિલની જગ્યાએ એને ઈલેવનમાં સામેલ કર્યો હતો. ચાર-મેચની સિરીઝની બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાવાની છે.

દરમિયાન, માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે 21-વર્ષીય શૉની બેટિંગ ટેક્નિકમાં રહેલી ખામીને શોધી કાઢી છે. તેંડુલકરનું કહેવું છે કે પૃથ્વીના પગ અને બેટ, બોલનો સામનો કરવામાં મોડું કરે છે એને કારણે એના બેટ અને પેડ વચ્ચે ગેપ રહી જાય છે. દિમાગમાં ઘણા બધા વિચારો ચાલતા હોય ત્યારે ઘણા બેટ્સમેનો સાથે આવું બનતું હોય છે.