અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પણ એની ટીમ આજનો દિવસ પણ પૂરો કાઢી ન શકી અને પહેલા દાવમાં 75.5 ઓવરમાં માત્ર 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સિરીઝમાં વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી ટીમ 2-1થી આગળ છે.
આ જ મેદાન પર ત્રીજી ટેસ્ટમેચમાં ઈંગ્લેન્ડને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડાબોડી સ્પિનર અક્ષર પટેલ આજે પણ ચમક્યો હતો અને 26 ઓવરમાં 68 રન આપીને ચાર વિકેટ પાડી હતી. જેમાં બંને ઓપનર ઝાક ક્રોવલી (9) અને ડોમિનિક સિબ્લે (2)નો સમાવેશ થાય છે. ઓફ્ફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને 3, જસપ્રિત બુમરાહને બદલે ઈલેવનમાં સામેલ કરાયેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે બે વિકેટ અને ઓફ્ફ-સ્પિનર વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી. કેપ્ટન રૂટની વિકેટ સિરાજે અને ટોપ સ્કોરર બેન સ્ટોક્સ (55)ની વિકેટ સુંદરે લીધી હતી. દિવસની રમતને અંતે ભારતે શુભમન ગિલ (0)ની વિકેટ ગુમાવીને 24 રન કર્યા હતા. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા દાવમાં હતો.