સિડનીઃ અહીં T20 વર્લ્ડકપ-2022 સ્પર્ધામાં આજે ગ્રુપ-2માં રમાઈ ગયેલી મેચમાં પાકિસ્તાને વરસાદના વિઘ્ન બાદ ડીએલએસ મેથડના સહારો લેવાયા બાદ 33 રનથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે પાકિસ્તાન સેમી ફાઈનલ માટેની રેસ માટે પોતાનો પડકાર ચાલુ રાખી શક્યું છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. આઝમ સહિત તેની ટીમના ટોચના ચારમાંથી ત્રણ બેટર નિષ્ફળ ગયા હતા. મોહમ્મદ હેરિસે 11 બોલમાં 28 રન, ઈફ્તિખાર એહમદે 35 બોલમાં 51, મોહમ્મદ નવાઝે 22 બોલમાં 28 અને શાદાબ ખાને 22 બોલમાં 52 રન ફટકારતાં પાકિસ્તાન ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 185 રન કર્યા હતા. પાકિસ્તાને એક સમયે માત્ર 43 રનમાં 4 વિકેટ ખોઈ દીધી હતી, પણ ઈફ્તિખાર અને સાદાબે 35 બોલમાં 82 રનની ભાગીદારી કરીને ટીમને મોટા ધબડકામાંથી ઉગારી હતી. તેના જવાબમાં, સાઉથ આફ્રિકાને વરસાદના અવરોધ બાદ 14 ઓવરમાં 142 રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પણ ટીમ 9 વિકેટે માત્ર 108 રન જ બનાવી શકી હતી. ડાબોડી ઓપનર ક્વિન્ટન ડી કોક ઝીરો પર આઉટ થતાં સાઉથ આફ્રિકાને ટોટલ ચેઝ કરવામાં મોટો ફટકો પડ્યો હતો. કેપ્ટન ટેમ્બા બવૂમાએ ઓપનર તરીકે આવીને 19 બોલમાં 36 સાથે રોમાંચ જગાડ્યો હતો, પણ બીજો કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો. પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફરિદીએ 3, શાદાબ ખાને બે વિકેટ લીધી હતી.